Mysamachar.in-અમદાવાદ:
જામનગર સહિત સમગ્ર રાજયમાં ગૃહ વિભાગનો આદેશ છે કે, ટ્રાફિક મેનેજમેન્ટ કામગીરીઓ કરતી પોલીસે બોડીવોર્ન કેમેરો પોતાની છાતી પર ટીંગાડવો. આ મામલો હાઈકોર્ટ દ્વારા સુઓમોટો હાથમાં લેવામાં આવ્યો છે. અને તેની સુનાવણી પણ શરૂ થઈ છે. અમદાવાદમાં ટ્રાફિક પોલીસના બે કર્મીઓ અને TRBનો એક કર્મચારી નાગરિક પાસેથી નાણાં પડાવી રહ્યા હોય, એ પ્રકારનો એક રિપોર્ટ મીડિયામાં જાહેર થયો. જેના આધારે વડી અદાલતે આ મુદ્દો સુઓમોટો હાથ ઉપર લીધો.આ કેસની સુનાવણી દરમ્યાન અદાલતે પ્રાઈવસીનો અધિકાર અને આ કેમેરાની જરૂરિયાત અંગે પ્રશ્નો ઉઠાવ્યા. હવે પછીની સુનાવણી 16 ઓક્ટોબરે થશે.
સિનિયર એડવોકેટ અને બચાવપક્ષના વકીલ મનિષા લવકુમારે પત્રકારોને જણાવ્યું છે કે, આ મુદ્દે સરકાર બોડીવોર્ન કેમેરા સંબંધિત પુરાવાઓ જનરલ સેન્સમાં ચકાસશે. અને તેઓએ એમ સ્વીકાર કર્યો કે, અદાલતે પ્રાઈવસીનો મુદ્દો ઉઠાવ્યો છે. અને અમો આગામી સુનાવણી સમયે અમારો આ રિપોર્ટ અદાલતમાં સબમિટ કરીશું. અદાલત વતી આ કેસમાં હાજર રહેલાં સિનિયર વકીલ શાલિન મહેતાએ અદાલતમાં કહ્યું: પ્રાઈવસી સંબંધિત મુદ્દાઓ અંગે અદાલત સમક્ષ રિપોર્ટ પેશ કરવામાં આવશે. ત્યારબાદ અદાલત આ મુદ્દે આખરી નિર્ણય આપી શકે છે.
અમદાવાદના મિલન કેલા નામના રહેવાસી પોતાના પત્ની પ્રિયંકા સાથે થાઈલેન્ડથી અમદાવાદ પરત ફરી રહ્યા હતાં એ સમયે ટ્રાફિક પોલીસ સાથે આ મામલો બનેલો. ઓગણજ ટોલપ્લાઝા ખાતે પોલીસે રાત્રે સવા વાગ્યે આ દંપતિને વાહન ચેકિંગ માટે અટકાવ્યું હતું. ત્યારબાદ, પોલીસ આ દંપતિની ટેકસીને સાઈડમાં એક સેઈફ જગ્યાએ લઈ ગઈ હતી અને પોલીસે આ તકે રૂપિયા બે લાખની માંગ કરી હતી. બાદમાં પોલીસ અધિકારીએ રૂપિયા 60,000 માં સોદો પાર પાડયો. પરંતુ આ નાગરિક પાસે આટલાં નાણાં કેશ ન હતાં, તેથી દંપતિને નજીકના ગણેશ ગ્લોરી બિલ્ડીંગમાં આવેલાં ATM ખાતે લઇ જવામાં આવ્યું. જયાંથી આ નાગરિકે રૂપિયા 40,000 વિથ ડ્રો કર્યા. પ્રિયંકાએ ગૂગલ પે થી ટેકસી ડ્રાઈવરને, પોલીસને આપવાના થતાં બાકીના રૂપિયા 20,000 ટ્રાન્સફર કર્યા.
આ મામલો મીડિયા સમક્ષ પહોંચતા અને જાહેર થતાં પોલીસ કમિશનરે તાકીદે પોલીસ વિરુદ્ધ FIRનો આદેશ આપેલો. અને, પોલીસ અધિકારીઓ મુકેશ,અશોક અને TRB કર્મચારીની ધરપકડ થઈ. બાદમાં આ રિપોર્ટના આધારે વડી અદાલતે આ મામલો સુઓમોટો (પોતાની જાતે) હાથ ધર્યો. આગામી સુનાવણી 16 ઓક્ટોબરે છે.