Mysamachar.in-અમદાવાદ:
સમગ્ર ગુજરાતમાં પોલીસ શહેરોમાં અને હાઇવે પર CCTV કેમેરા દ્વારા નજર રાખે છે, પરંતુ ખુદ પોલીસ પર પણ હવે ‘નજર’ રહેશે. આમ તો સુપ્રિમ કોર્ટ દ્વારા આ આદેશ છેક 2020માં આપવામાં આવેલો પરંતુ હવે આ દિશામાં પોલીસ વધુ વિલંબ કરી શકશે નહીં. અત્રે ઉલ્લેખનિય છે કે, આ અગાઉ ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા પોલીસમથકોમાં અને પોલીસમથકો પર CCTV લગાવવાની કામગીરીઓ હાથ ધરવામાં આવેલી. આ કામગીરીઓ અંતર્ગત, રાજયમાં 7,327 પોલીસ મથકોએ CCTV લગાવવામાં પણ આવેલાં. જે પૈકી 7,160 કેમેરા કાર્યરત છે. એવો અહેવાલ પણ ગત્ વર્ષે આવ્યો હતો. ત્યારબાદ એવો રિપોર્ટ જાહેર થયો કે, રાજયના 622 પોલીસમથકોમાં 7,354 કેમેરા લગાવવામાં આવેલાં છે. હવે જો કે આ સ્ટોરીમાં વળાંક આવ્યો છે.
હવે એવો રિપોર્ટ આવ્યો કે, સુપ્રિમ કોર્ટે જે પ્રકારના શક્તિશાળી (ટેકનિકલી સાઉન્ડ) કેમેરા લગાવવા 2020માં આદેશ આપેલો, તેવા સક્ષમ કેમેરા પોલીસમથકોમાં લગાવવામાં આવ્યા નથી. તેથી હવે રાજ્યના ગૃહ વિભાગે હાલના કેમેરાનો પ્રોજેક્ટ પડતો મૂકવો પડ્યો છે અને હવે સુપ્રિમ કોર્ટના આદેશ મુજબનો નવો પ્રોજેક્ટ શરૂ કરવો પડ્યો છે. નવા પ્રોજેક્ટના ટેન્ડરમાં કહેવાયું છે કે, રાજયની 879 પોલીસ ઈમારતોમાં કુલ 12,701 કેમેરા લગાવવાના રહેશે. જેમાં 622 અગાઉના પ્રોજેક્ટના પોલીસમથકોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત 130 શાખાઓ (LCB, SOG અને LlB વગેરે)નો પણ આમાં સમાવેશ છે. આ કામ માટે કુલ રૂ. 391 કરોડનો ખર્ચ થશે. અને આ પાર્ટી જૂના તમામ કેમેરા સંભાળી લેશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, પોલીસ કસ્ટડી દરમિયાન આરોપીઓ અથવા શકમંદોના મોત મામલે ગુજરાત ઉપરાઉપરી ત્રણ વર્ષ સુધી દેશમાં પ્રથમ ક્રમે રહ્યું હોય, દેશભરમાં આ આંકડાઓની ચર્ચાઓ છે. આથી હવે જ્યારે પણ રાજયની તમામ પોલીસ ઈમારતો પર અને ઈમારતોમાં નવા CCTV કેમેરા લાગશે, તેની સાથે જ આ વોચ માટે દરેક સ્થળે મોનિટરીંગ સેન્ટર પણ કાર્યરત કરવાના રહેશે. તાજેતરના જૂનાગઢ અને સુરત પોલીસના દાખલાઓના કારણે ગુજરાત પોલીસની છબિને વધુ ઘસરકા લાગ્યા છે. આ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ કહે છે: પોલીસ અને જનતા વચ્ચેના અણબનાવોની ખરી હકીકત મેળવવા પોલીસ વિભાગે 10,000 બોડી વોર્ન કેમેરાની પણ ખરીદી કરી છે, જે પોલીસકર્મીઓની વરદી પર લગાવવામાં આવે છે.
પોલીસ અને જનતા વચ્ચેનાં અણબનાવો ટાળવા, ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ એમ પણ કહે છે કે, વધુને વધુ કામગીરીઓ ઓનલાઈન કરી, પોલીસ અને પબ્લિક એકમેકના ઓછામાં ઓછાં ડાયરેક્ટ ટચમાં આવે, તે પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે. તે માટે e-FIR સહિતના અપડેશન કરવામાં આવી રહ્યા છે.
-આ પણ જાણવા જેવું…
આ કેમેરાની અંદર 7 દિવસનો ડેટા જાળવવાનો, પોલીસ ઈમારતના સર્વરમાં 30 દિવસનો ડેટા રાખવાનો અને SP અથવા પોલીસ કમિશનરની કચેરીમાં જે સર્વર હોય, તેમાં 18 મહિનાનો ડેટા રાખવાનો રહેશે.કમિશનર અથવા SP સહિત કુલ 40 પોલીસ અધિકારી લેવલે મોનિટરીંગ રિઅલ ટાઇમ રહેશે. આ ઉપરાંત પોલીસ હેડ કવાર્ટર ખાતેથી રિમોટ મોનિટરીંગ પણ કરવાનું રહેશે.
-બે ટાઇપના કેમેરા હશે: બુલેટ અને ડોમ. જેનું રિઝોલ્યુશન 1mp થી 2mp હશે. દરેક કેમેરામાં બિલ્ટ ઇન માઈક્રોફોન હશે.
પુરૂષ અને સ્ત્રી લોકઅપરૂમ કેમેરાથી કવર કરવાના રહેશે. આ ઉપરાંત ફરિયાદ વિભાગ, લાયસન્સ અને પાસપોર્ટ વેરિફિકેશન રૂમ, પોલીસ ઈમારતના તમામ ગેટ, મુલાકાતીખંડ, તમામ પોલીસ ઈન્સ્પેક્ટર અને ફોજદારની ઓફિસ, પુરુષ અને સ્ત્રી વોશરૂમનો બહારનો ભાગ, જિલ્લ પોલીસ ભવન સહિતના તમામ પોલીસ કેમ્પસના તમામ દરવાજા અને પોલીસ સંબંધિત અન્ય તમામ મહત્વની જગ્યાઓ આ તમામ કેમેરાથી કવર કરવાની રહેશે.