Mysamachar.in-રાજકોટ:
રાજકોટના એક પોલીસમથકમાં લોહીના ફુવારા છુટ્યા અને લોહીથી લથબથ બની ગયું પોલીસ મથક કારણ એવું હતું કે બે પ્રેમીપંખીડાઓએ પોલીસ મથકની અંદર આવેલ નાગરિક સુવિધા કેન્દ્રમાં રૂમ બંધ કરી લઇ અને પોતાના જ ગળામાં તીક્ષ્ણ હથિયાર વડે ઈજાઓ પહોચાડતા એકનું મોત થયું છે જયારે અન્ય એક સારવાર હેઠળ છે, આ અંગેની જે વિગતો સામે આવી રહી છે તે પ્રમાણે
ગત રાત્રીના સમયે રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રેમી પંખીડાએ આત્મહત્યાની કોશિશ કરી હતી જેમાં યુવતીનું પોલીસ સ્ટેશનમાં જ મોત નીપજ્યું હતું. જ્યારે યુવકને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પ્રેમી પંખીડા મૂળ કચ્છના નખત્રાણાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે, અને ગઈકાલે બંને ઘરેથી ભાગી રાજકોટ પહોંચ્યા હતા હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ ડીસીપી ઝોન 2 સુધીર દેસાઈએ આ ઘટના અંગે કહ્યું કે પ્રેમી વિનોદ ગોપાલ સતવારા (ઉ.વ.19) અને પૂજા રૂપા ભદ્ર (ઉ.વ.23) ગત તારીખ 2 એપ્રિલના રોજ ઘરેથી નાસી છૂટ્યા હતા બંને વચ્ચે પ્રેમ સબંધ હતો. આ બનાવ અંગે 3 તારીખના રોજ નખત્રાણા પોલીસે ગુમનોંધ આધારે તપાસ શરૂ કરી હતી અને લોકેશન રાજકોટ હોવાનું માલુમ થતા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી જેના પગલે બન્નેને રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા અને નખત્રાણા પોલીસને જાણ કરવામાં આવી હતી.
બન્ને પ્રેમી-પંખીડાંને પોલીસ સ્ટેશનની અંદર નાગરિક સુવિધા કેન્દ્ર ખાતે બેસાડવામાં આવ્યાં હતાં અચાનક પ્રેમી-પંખીડાંએ અંદરથી દરવાજો બંધ કરી પોતપોતાના ગળામાં બ્લેડ જેવા તીક્ષ્ણ હથિયાર વડે આત્મહત્યાની કોશિશ કરી હતી, જેમાં પ્રેમિકાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પ્રેમીને ગંભીર રીતે ઇજા પહોંચતાં સારવાર અર્થે રાજકોટ સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. રાજકોટ પોલીસ સ્ટેશનમાં બનેલી આ ઘટના હાજર પોલીસ માટે બેદરકારી સમાન પણ છે.