Mysamachar.in-ગાંધીનગર:
રાજયનાં પોલીસવડા વિકાસ સહાયે પરિપત્ર જાહેર કરીને જણાવ્યું છે કે, પોલીસ ટ્રાફિકનાં નિયમોનું પાલન ન કરે તે નહીં ચાલે. આ સ્થિતિમાં લોકો પાસે ટ્રાફિકનાં નિયમોનું પાલન કરાવવાની પદ્ધતિને કારણે પોલીસની છબિ ખરડાઈ રહી છે.તેઓએ જણાવ્યું છે કે, વાહનમાં પોલીસ લખેલું હશે તો દંડ થશે. આ ઉપરાંત પોલીસે હેલ્મેટ ફરજિયાત પહેરવાની રહેશે અને સીટ બેલ્ટ પણ ફરજિયાત રીતે બાંધવાનો રહેશે. પોલીસ તમામ ટ્રાફિક નિયમોનું પાલન કરશે તો તેની સારી અસરો લોકો પર પડશે એમ જણાવી તેઓએ કહ્યું છે કે, પોલીસકર્મીઓએ તમામ ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે.
નિયમભંગ બદલ પોલીસકર્મીઓનાં કેસ પણ નોંધવાના રહેશે. એક વખત પોલીસ દ્વારા આ પ્રકારનું નિયમપાલન અમલમાં આવી જશે તો તેનાં પરથી નાગરિકોને પણ નિયમોનું પાલન કરવાની પ્રેરણા મળશે. હાલની સ્થિતિમાં માત્ર લોકો પર થતાં કેસને કારણે પોલીસની પ્રતિષ્ઠાને આંચ આવી રહી છે તેમ પોલીસવડાએ જણાવ્યું છે.રાજયનાં પોલીસવડાનો આ પરિપત્ર પોલીસકર્મીઓ માટે આકરો પૂરવાર થશે પરંતુ સરવાળે તેથી લાભ થશે અને નાગરિકો પોલીસનાં આ પ્રયાસને આવકારશે એ નકકી છે. અને જો આમ થશે તો સમગ્ર રાજયમાં નિયમપાલનમાં વધારો થશે.
-બ્લેક ફિલ્મ પણ કાઢી નાખજો પોલીસ મિત્રો….
ઘણી વખત એવું સામે આવતું હોય છે કે આરોપીઓને પકડવા માટે પોલીસ નંબર પ્લેટ વગરની કાર તેમજ બ્લેક ફિલ્મવાળી ખાનગી કારનો ઉપયોગ કરતા હોય છે. મોટાભાગના પોલીસ કર્મચારીઓ પાસે જે કાર હોય છે તેમાં બ્લેક ફિલ્મ લગાવેલી હોય છે. આજ દિવસ સુધી પોલીસ કર્મચારીના કાર પર લાગેલી બ્લેક ફિલ્મ ઊતરી નથી પરંતુ હવે તે શક્ય બનવાની દિશા તરફ આગળ જઈ રહ્યું છે, રાજ્યના પોલીસવડાએ કરેલા આદેશ બાદ પોલીસની કાર પરથી બ્લેક ફિલ્મ હટી જશે. ક્રાઈમ બ્રાંચ, એટીએસ, એસઓજી સહિતની પોલીસની એજન્સીઓમાં મોટાભાગના પોલીસ કર્મચારીઓ બ્લેક ફિલ્મવાળી કારનો ઉપયોગ કરે છે. જોકે, હવે ફરજિયાત પોલીસ કર્મચારીઓને પણ બ્લેક ફિલ્મ કાઢી નાખવી પડશે નહિતર કોઈ તેની ફિલ્મ ઉતારીને ડીજીપીને મોકલશે તો જોવા જેવી થશે.