Mysamchar.in-સુરત
રાજ્યમાં દિવસે ને દિવસે વધી રહેલી સાઈબરક્રાઈમની ઘટનામાં એક મોટા રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે, બેંક એકાઉન્ટ હેક કરી નાની નથી પરંતુ સીધી જ મોટીરકમ ખાતેદારના એકાઉન્ટમાંથી કાઢી લેવાના ષડયંત્રનો પર્દાફાશ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે કર્યો છે. આ ગુન્હામાં બે નાઇઝીરિયન સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. યુનીક કન્સ્ટ્રક્શનના બેંક ઓફ બરોડાના ભટાર રોડની શાખાનાં કરન્ટ બેંક એકાઉન્ટ તથા કેશ ક્રેડીટ બેંક એકાઉન્ટનો રજીસ્ટર મોબાઇલ નંબર બંધ કરી તેઓના બંને એકાઉન્ટમાંથી 1,71,80,012 NEFT અને RTGSથી અલગ અલગ બેંક એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરી છેતરપીંડી કરવામાં આવી હતી. ઘટના અંગે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઘટનામાં વિવિધ પાસાઓને આધારે તપાસ કરતા આરોપીઓએ મેઇલ આઇડીથી ફરીયાદીના બેંક એકાઉન્ટમાં રજીસ્ટર મોબાઇલ નંબર બંધ કરવા મોબાઈલ કંપનીને ઇ મેઇલ કરી રજીસ્ટર મોબાઇલ નંબર બંધ કરાવી બેંક એકાઉન્ટમાંથી નેટ બેંકીંગથી બિહાર, પશ્ચિમ બંગાળ તથા ઉત્તરપ્રદેશમાં ICICI બેંકમાં 8 અને અન્ય બેંકમાં ૩ મળી કુલ 11 એકાઉન્ટોમાં ટુકડે-ટુકડે રૂપીયા 1,71,80,012 ટ્રાન્સફર કરાવ્યા હતાં.
મામલે બેંક એકાઉન્ટમાંથી નેટ બેંકીંગથી જુલાઈ 26 ને 27 તારીખે રોજ આ તમામ રૂપિયા બિહાર, પશ્ચિમ બંગાળ તથા ઉત્તરપ્રદેશના કુલ -૧૧ જેમાં ICICI બેકના 8 ખાતા જયારે અન્ય બેંકના 3 ખાતામાં ટુકડે – ટુકડે રૂપીયા 1.71 કરોડ ટ્રાન્સફર થયા હતા. તેમાંથી ઉત્તરપ્રદેશના ત્રણ એકાઉન્ટોમાંથી સુરતના વિકાસ મનોજભાઇ સોલંકીના બે એકાઉન્ટોમાં રૂ 18,20,000/ – આવેલ હોવાની હકીકત જણાઇ આવેલ હતી, તે આધારે વિકાસ મનોજભાઇ સોલંકીને પોલીસે અટકાયત કરી પુછપરછ કરી હતી. પોલીસે વિકાસ મનોજ ભાઈ સોલંકીની પૂછપરછ કરતા સમગ્ર મામલો ખુલ્યો હતો. જેમાં રાજકોટનો નેવીલ શુક્લા, અમરેલીનો પરેશ માલવીયા, મહારાષ્ટ્રના ઇમરાન કાઝીની સંડોવણી બહાર આવી હતી. આ તમામ લોકો નાઇઝીરીયાના રફેલા અને કેલ્વીન ફેબીયાન ઓઝોમ્બે સાથે એક પછી એક જોડાયેલા હતા. આમ સુરત પોલીસ ઇન્ટરનેશનલ રેકેટને ઝડપી પાડતા મોટા ખુલાસાઓ થાવાની સંભાવના છે.
સમગ્ર આંતરરાષ્ટ્રીય રેકેટમાં પોલીસે રાજકોટના નેવીલ અશોક શુકલા, મૂળ અમરેલીનો અને હાલ સુરત રહેતા રાકેશ પરબતભાઈ માલવિયા મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ઈમરાન ઈબ્રાહીમ કાઝ ના અને નાઈઝીરીયાના રફેલ એર્ડડયો ચીન્કા અને કેલ્વીન ફેબીયાન ઓઝોમ્બેનાને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.