Mysamachar.in:ભરૂચ:સુરત:
રાજ્યના મેટ્રો સીટીથી માંડીને નાના નાના તાલુકા મથકો સુધી સ્પા ચાલી રહ્યા છે, આવા ચાલી રહેલા અમુક સ્પામાં ગ્રાહક અંદર જાય બાદ તેને એક્સ્ટ્રા સર્વિસને નામે વિદેશી યુવતીઓ સાથે શરીરસુખ માણવાની વ્યવસ્થા કરી આપવામાં આવે છે, રાજ્યના બે અલગ અલગ શહેરોમાં સ્પાના ઓથા હેઠળ ચાલતા સેક્સ રેકેટ પર પોલીસે છાપેમારી કરી અને ગ્રાહકોને ઝડપી પાડ્યા છે જયારે યુવતીઓને મુક્ત કરાવી છે પ્રથમ વાત સુરતના વેસુ વિસ્તારમાં ચાલી રહેલા થાઈ સ્પામાં અચાનક એન્ટી હ્યુમન ટ્રાફિક સેલે રેડ પાડી હતી. ભારત અને થાઇલેન્ડથી યુવતીઓ પાસે મસાજના નામે કૂટણખાનું ચલાવવામાં આવતું હતું તેવી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યાં કુટણખાનુ ચાલતો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે સંચાલક મેનેજર અને પાંચ ગ્રાહકોની ધરપકડ કરી 55 હજારથી વધુની મતા કબજે કરી હતી.
પોલીસે દેહવેપાર કરવા આવેલી દેશી અને વિદેશી યુવતીઓને મુક્ત કરાવી હતી. સ્પાના માલિક સહિત થાઈલેન્ડની છોકરીઓ દેહ વેપાર માટે સપ્લાય કરનાર થાઈલેન્ડની લમઈ ઉર્ફે smileyને વોન્ટેડ જાહેર કરાઇ હતી. ઉલ્લેખનીય છે કે એન્ટી હ્યુમન ટ્રાફિક સેલની કાર્યવાહી બાદ ઉમરા પોલીસે પણ કેટલાક સ્પા પર રેડ કરી હતી. ત્રણથી વધુ સ્પામાં રેડ કરી સંચાલક અને ગ્રાહકોની ધરપકડ કરી હતી.
તો બીજી તરફ ભરૂચ એ ડિવિઝન પોલીસે શ્રવણ ચોકડી ઉપર સિલ્વર સ્કવેર શોપિંગ સેન્ટરમાં સાઈન સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. શહેરના લિંક રોડ ઉપર સિલ્વર સ્કવેર શોપિંગમાં સાઈન સ્પાના ઓથા હેઠળ કૂટણખાનું ચાલતું હોવાની માહિતી ભરૂચ એ ડિવિઝન પોલીસને મળી હતી. જ્યાં પોલીસ દ્વારા સ્પામાં ડમી ગ્રાહકને મોકલવામાં આવ્યો હતો સ્પામાં જતા જ પોલીસ ઉપર મિસકોલ કરતા તુરંત રેઇડ કરાઈ હતી. કાઉન્ટર ઉપરથી સ્પા નો સંચાલક મૂળ સુરત અને હાલ ચાવજની સ્તવન સોસાયટીમાં રહેતો પંકજ પરમાર, ભાગીદાર કરજણનો વિરેન્દ્ર સિંહ માત્રોજા મળી આવ્યા હતા. જ્યારે સ્પાના રૂમોમાંથી કઢંગી હાલતમાં ડમી ગ્રાહક સાથે થાઇલેન્ડની 3 અને મુંબઈની એક સેક્સ વર્કર યુવતી અને બે ગ્રાહકો મળી આવ્યા હતા.
પોલીસે 11 મહિનાથી સ્પાના નામે દેહ વ્યપાર ચલાવતા બન્ને ભાગીદારો, કઢંગી હાલતમાં ઝડપાયેલા 2 ગ્રાહકો અંકલેશ્વરના સોયેબ યુસુફ પઠાણ અને ભરૂચના ઈરફાન પિંજારાની ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટ હેઠળ ધરપકડ કરી હતી. સાથે જ કાઉન્ટર, અંગ ઝડતીમાં રોકડા અને 4 મોબાઈલ મળી કુલ રૂપિયા 40 હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.