Mysamachar.in-અમદાવાદ:
ગુજરાતના સૌથી ભવ્ય મહાનગર અમદાવાદમાં ધંધો ચિક્કાર છે અને ચોક્કસ વર્ગ પાસે પૈસો લખલૂટ છે. આ પ્રકારના કારણોથી રંગીન અને માદક પાર્ટીઓ રાતભર આ શહેરના સીમાડાના વિસ્તારોમાં આવેલાં ફાર્મ હાઉસ, રિસોર્ટ વગેરેમાં યોજાતી રહેતી હોય છે. ગત્ રાત્રે 3 વાગ્યે, વધુ એક વખત આવી પાર્ટી પર દરોડો પડતાં, આજે સવારે આ પાર્ટી ‘સમાચાર’ બની ગઈ.
મામલો અમદાવાદના બોપલ-શીલજ વિસ્તારનો છે. જ્યાં ઝેફાયર નામના એક ફાર્મમાં નશીલી અને રેશમી પાર્ટી ચાલી રહી હતી. પાર્ટીના પાસમાં પ્રિન્ટ કરવામાં આવ્યું હતું કે, અહીં ચિક્કાર દારૂ ઉપલબ્ધ છે, શબાબ પણ. આ ફાર્મ હાઉસ પર રાત્રે ત્રણ વાગ્યે બોપલ પોલીસ પહોંચી તો અંદર ઝૂમ બરાબર ઝૂમ..ચાલી રહ્યું હતું.
આ પાર્ટીમાં 2 ભારતીય અને 15 વિદેશી નાગરિક મોજમાં હતાં. પાર્ટી આયોજક અંગે કશી વિગતો બહાર આવી નથી. ડ્રાય ગુજરાતમાં આટલાં શરાબની વ્યવસ્થાઓ અને બિંદાસ રીતે આયોજન થઈ રહ્યા હોય, સૌ અચરજ અનુભવી રહ્યા છે. શરાબપાન મામલે (પકડાઈ જવાય તો)સજાઓ આકરી ન હોવાથી કાયદાની દંડૂકડીનો ભય પર્યાપ્ત પ્રમાણમાં નથી.
એક અહેવાલ અનુસાર, 6 મહિલા અને 11 પુરૂષની અટકાયત થઈ છે. જેમના ગળા ‘સૂકા’ હતાં એમને ઘરે જવા કહેવાયું. અહીં પાસની કિંમત 700 થી શરૂ કરી રૂ. 15,000(5 વ્યક્તિ) રાખવામાં આવી હતી. પાર્ટીનું નામ ‘હોટ ગ્રેબર પાર્ટી’ રાખી એ મુજબ પાસ પ્રિન્ટ કરાવવામાં આવ્યા હતાં. જેમાં રૂ. 700વાળા પાસનું નામ અર્લી બર્ડ, 2,500માં VIP પાસ અને 15,000ના પાસનું નામ ડાયમંડ ટેબલ, જેમાં પાંચ વ્યક્તિ આ ટેબલ-ખુરશી બુક કરાવી શકે. પાર્ટીમાં નાચનારી ‘બ્લેક’ હતી. અને, શરાબની બ્રાન્ડનો ઉલ્લેખ પણ પાસમાં કરવામાં આવ્યો હતો. મતલબ, આ બધી બાબતો આ વિસ્તારોમાં ચોક્કસ વર્ગમાં ‘રોજિંદી’ હશે, એમ માનવામાં આવે છે.


