Mysamachar.in-સુરત:
રાજ્યના મેટ્રોસીટીમાં ચાલતા ગેરકાયદેસર કોલસેન્ટરનો અવારનવાર પર્દાફાશ થતો રહે છે, અને ક્યારેક આવા કોલસેન્ટર પાછળ કોઈ મોટામાથાઓના હાથ પણ હોવાનું સામે આવતું રહેતું હોય છે, વધુ આવા જ એક કોલ સેન્ટરનો પર્દાફાશ સુરત શહેરમાં થયો છે, શહેરમાં જહાંગીરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાંબા સમયથી ચાલતા કૉલ સેન્ટરને પોલીસે ઝડપી પાડવામાં સફળતા મળી છે. કૉલ સેન્ટરમાંથી લોકોને રોકાણના નામે ફોન કરવામાં આવતા હતા અને તેમની સાથે ઠગાઈ કરવામાં આવતી હતી. પોલીસે સ્થળ પરથી 19 લોકોને ઝડપી પાડ્યા છે. જોકે, કૉલ સેન્ટર ચલાવતા મહેતા ભાઈ-બહેને પોલીસ પકડથી હજુ દૂર છે,
જહાંગીરપુરા પોલીસ સ્ટેશનથી બે કિલોમીટરના વિસ્તારમાં ગ્રીન એરિસ્ટો પ્લાઝામાં ત્રીજા માળે ચાલતા કોલ સેન્ટર પર સોમવારે પીસીબીએ દરોડા પાડ્યા હતા. પોલીસે કોલસેન્ટર પરથી 6 યુવતીઓ સહિત 19 લોકોને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આરોપીઓ લોકોને કોલ કરી શેરબજાર જેવી પોતાની બનાવેલી કંપનીમાં રોકાણ કરવાની વાત કરતા હતા.આ ટોળકી શરૂઆતમાં લોકોને રોકાણ કરાવી થોડો ઘણો નફો બતાવી બાદમાં મોટી રકમ રોકાણ કરાવતા હતા. રોકાણના નામે દેશભરમાંથી ભાઈ-બહેનની ટોળકીએ કરોડોની રકમ ખંખેરી હોવાની વાત સામે આવી રહી છે.
કૉલ સેન્ટર ચલાવનારમાં માસ્ટર માઇન્ડ વિક્કી મહેતા અને તેની બહેન નેહા મહેતા છે. પીસીબીના સ્ટાફે કોલ સેન્ટરમાંથી 55થી વધુ મોબાઇલ ફોન, 8 લેપટોપ, 4 કોમ્યુટર, એક ટેબલેટ, કાર્ડ સ્કેચનું મશીન અને પ્રિન્ટર સહિતનો મુદામાલ કબજે કર્યો છે.ફરાર ભાઈ-બહેન નોકરીએ રાખેલા યુવક-યુવતીઓને કસ્ટમરો સાથે કેવી રીતે વાત કરવાની અને કેવી રીતે રોકાણ કરવા પ્રલોભન આપવી તે માટેની ખાસ ટ્રેનિંગ પણ આપતા હતા, ભાઈ-બહેને કોલ સેન્ટરમાં કામે રાખેલા યુવક-યુવતીઓને 10થી 15 હજારનો પગાર આપતા હતા.