Mysamchar.in-રાજકોટ:
રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી લુંટના કિસ્સાઓ સતત વધતા પોલીસ સતર્ક બની હતી અને અંતે આ ગેંગ પોલીસના સકંજામાં આવી ગઈ છે, આ ટોળકીએ છેલ્લા 21 દિવસમાં રાજકોટ, શાપર વેરાવળ, રીબડા અને મોરબી, વાંકાનેરમાં 22 લૂંટની કબૂલાત આપી હતી. મોટાભાગે પરપ્રાંતિયોને જ શિકાર બનાવતી આ ટોળકી મોબાઇલ અને મામૂલી રકમ લૂંટી લેતા હોવાથી કોઇ ફરિયાદ કરવા આગળ આવતું ન હતું.
દસ દિવસ પૂર્વે શાપર-વેરાવળથી પોતાના વતન મુજ્જફરપુર જવા નિકળેલા બે શ્રમિકને રિક્ષામાં બેસાડી ગોંડલ ચોકડી નજીક અવાવરૂ સ્થળે લઇ જઇ રિક્ષાચાલક સહિત ત્રણ શખસે છરીના ઘા મારી રૂપિયા 250 રોકડા સામાન ભરેલા થેલાની લૂંટ કર્યાની ફરિયાદ નોંધાઇ હતી. લૂંટના ચાર દિવસ પછી વધુ એક શ્રમિકને રિક્ષામાં બેસાડી મહિકા ગામના પાટિયા નજીક છરી બતાવી રોકડ, મોબાઇલ લૂંટી લીધા હતા. બન્ને બનાવમાં રિક્ષા ચાલક અને બે સાગરીતની સંડોવણી હતી. લૂંટની મોડેસ ઓપરેન્ડી સમાન હોવાથી બન્ને લૂંટમાં એક જ ગેંગ હોવાની શંકાથી ક્રાઇમ બ્રાંચ ટીમ દ્વારા લૂંટારુ ગેંગની ઓળખ મેળવવા પ્રયાસ શરૂ કરવામાં આવી હતી.
લૂંટમાં લોધિકાના પારડી ગામના દર્શન ઉર્ફે ભૂદેવ ભરતભાઇ ચૌહાણ રાજકોટમાં હુડકો પાછળ નાળોદાનગરમાં રહેતા મયુર રવજીભાઇ ડાભી અને વેલનાથપરા, ખોખળદડ નદી પુલ નીચે રહેતા બીપીન પોપટભાઇ સોલંકી તથા એક બાળ તહોમતદારની સંડોવણી હોવાની ક્રાઇમ બ્રાંચને સચોટ બાતમી મળી હતી. બાતમી આધારે વોચ ગોઠવીને સગીર આરોપી સહિત ચારેય શકમંદને ગોંડલ-અમદાવાદ હાઇ-વે પરથી રિક્ષા સાથે અટકાયતમાં લઇ લીધા હતા. પકડાયેલા શખ્સો પાસેથી બે છરી અને લૂંટમાં ગયેલો અમુક મુદ્દામાલ મળી આવ્યો હતો.
આ ટોળકી મોજશોખ, નાના-મોટા નશા માટે લૂંટ કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.લૂંટારુ ગેંગનો સૂત્રધાર તેના મામાની રિક્ષા ભાડે ચલાવે છે. દેખાવ ખાતર રિક્ષા ચલાવતા દર્શને તેના મિત્રો મયૂર, બિપીન અને બાળ આરોપી સાથે ગેંગ બનાવીને એકલ દોકલ શ્રમિકને લૂંટાવાનું શરૂ કરી એક મહિનામાં કરેલી 22 લૂંટમાં જેટલા મોબાઇલ લૂંટ્યા હતા એ તમામ મોબાઇલ ગુજરી બજારમાં ઓછા ભાવે વેચી દઈ અને રોકડી કરી અને મોજશોખ પુરા કરતા હતા.