Mysamachar.in-અમદાવાદ:
કોઈ અસામાજિક તત્ત્વ કે માફિયાઓ કોઈ નાગરિક પાસેથી ખંડણી વસૂલે અથવા ખંડણી વસૂલવા ધમકી આપે તો, નાગરિક પોલીસમાં ફરિયાદ કરે અને પોલીસ આરોપીને ઝડપી લ્યે- સામાન્ય રીતે આમ બનતું હોય છે, પરંતુ કથિત ખંડણી મામલે કોઈ પોલીસ અધિકારી વિરુદ્ધ સમન્સનો હુકમ થાય, તે માન્યામાં ન આવે એવી વાત છે પણ આમ બન્યું છે.
મામલો રાજકોટનો છે. આ મામલો છેક વડી અદાલતમાં પહોંચ્યો હતો. અદાલતે પોલીસ ઈન્સ્પેક્ટર જયેશ કાલીયા વિરુદ્ધ સમન્સનો હુકમ કર્યો છે. અને, ડીટેકશન ઓફ ક્રાઈમ બ્રાંચના આ પોલીસ ઈન્સ્પેક્ટર વિરુદ્ધ સમન્સ સાથે જ DCPને સોગંદનામું દાખલ કરવા આદેશ આપ્યો છે. આ કેસમાં પોલીસના વર્તનની વડી અદાલતે ગંભીર નોંધ લીધી છે.
આ કેસમાં ફરિયાદી વિજય વિશ્વકર્મા છે. ફરિયાદી કહે છે: મને રિવોલ્વર દેખાડી, ધમકાવીને કહેવાયું કે, તારી ઔડી કાર ફલાણાને આપી દે. ઔડી કાર જેને આપવા કહેવાયું એ વ્યક્તિએ જેતે સમયે DCBમાં વિજય વિશ્વકર્મા વિરુદ્ધ અરજી કરેલી. અરજીમાં જણાવાયેલું કે, અરજદારે વિજય વિશ્વકર્મા પાસેથી રૂ. 23 લાખ લેવાના થાય છે.
વિશ્વકર્માએ વડી અદાલતમાં કહેલું કે, જે વ્યક્તિએ મારાં વિરુદ્ધ રૂ. 23 લાખના ટ્રાન્ઝેક્શન સંબંધે અરજી કરેલી તેની અરજીના અનુસંધાને PI જયેશ કાલીયાએ વિશ્વકર્માને જેતે સમયે સમન્સ મોકલ્યું હતું. બાદમાં જ્યારે વિશ્વકર્મા નામનો આ વેપારી DCB પોલીસ સ્ટેશને ગયો ત્યારે પોલીસે તેને ધમકાવેલો. વેપારીએ પોલીસને કહેલું કે, તેણે અરજદારને રૂ. 23 લાખ આપવાના થતાં નથી. છતાં પોલીસે દબાણ કર્યું કે, પૈસા ન હોય તો ઔડી કાર અરજદારને આપી દે.
બાદમાં જગદીશ નામનો પોલીસ કોન્સ્ટેબલ વિશ્વકર્મા સાથે કાર સર્વિસ સેન્ટર પર ગયેલો અને કાર લઈ ગયો તથા પેલા અરજદારને કાર આપી દીધી. આ ઉપરાંત વિશ્વકર્મા કહે છે: પોલીસે મારી પાસેથી રૂ. દોઢ લાખ લીધાં અને FIR ન નોંધાવવા રિવોલ્વર દેખાડી. વડી અદાલતે કહ્યું: આ કેસ સંબંધિત CCTV ફૂટેજની જાળવણી કરવામાં આવે અને આ કેસની સુનાવણી હવે પછી 26 નવેમ્બરે કરવામાં આવશે. આ મામલાએ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના પોલીસબેડામાં ચકચાર જગાવી છે.