Mysamachar.in:અમદાવાદ
દારૂબંધી ધરાવતાં ગુજરાતમાં શરાબ કાયમ નશીલો વિષય રહ્યો છે ! અદાલતો, પોલીસદળમાં અને ચા-પાનના ગલ્લે, સર્વત્ર શરાબની ચર્ચાઓ ગુજરાતમાં મોટો વિષય છે. ઘણાં લોકો તો જાહેરમાં કહેતાં હોય છે, ગમ હોય કે ખુશી, શરાબ આશિર્વાદરૂપ ચીજ છે ! ભાગ્યે જ કોઈ પ્રસંગ ‘કોરો’ હોય છે !
રાજયની વડી અદાલતમાં પણ શરાબના કેસો મોટી સંખ્યામાં નોંધાતા અને ચાલતાં રહે છે. મોટાભાગના કેસોમાં અદાલત ઠપકા આપતી હોય છે, પોલીસને અથવા સરકારને. ઘણાં કિસ્સાઓમાં તો અદાલતો પોલીસ અધિકારીઓને ખખડાવતી પણ હોય છે. જો કે આ સ્થિતિમાં પણ તંત્રો તો, હમ નહીં સુધરેગે ની તર્જ પર મસ્તીથી નાચતાં ઝૂમતાં રહે છે !
આવા જ એક કિસ્સામાં વડી અદાલતે પોલીસ તથા સરકારને બરાબર સંભળાવ્યું હતું. ગુરૂવારે હાઈકોર્ટમાં પ્રોહીબિશનનો એક કેસ ચાલી રહ્યો હતો. આ કેસ દરમિયાન હાઈકોર્ટે ત્યાં સુધી કહેવું પડ્યું કે, શરાબના પરચૂરણ કેસોમાં પોલીસ પાસે બાતમીઓ હોય છે, બાતમીદારો હોય છે. પરંતુ શરાબના તોતિંગ જથ્થાના કેસોમાં આવું બનતું નથી. આ પ્રકારના મોટા કેસોમાં આરોપીઓ વિરુદ્ધ પોલીસ પાસે પૂરતું મટિરીયલ કે પુરાવાઓ પણ હોતાં નથી. ઇનપુટ્સ પણ હોતાં નથી.
આ ઉપરાંત વડી અદાલતે આ કેસમાં એમ પણ કહ્યું કે, બાતમી અને બાતમીદારો અને બાતમીઓના આધારે થતી કામગીરી અને કાર્યવાહીઓ આ વિષયમાં સરકાર પાસે કોઈ ગાઈડલાઈન જ નથી ! કોઈ પણ પોલીસ કર્મચારી દાવો કરી શકે છે કે, ફલાણી બાતમી મેં આપી ! પરચૂરણ કેસોમાં આવું ચાલતું રહે છે, અને મોટાં કેસોમાં પોલીસ પાસે બાતમી જ નથી હોતી.
વડી અદાલતમાં ગુરૂવારે અમદાવાદનાં સોનુ રાજપૂત નામનાં એક મોટા બૂટલેગરનો કેસ ચાલી રહ્યો હતો ત્યારે હાઈકોર્ટે ઉપરોક્ત ટિપ્પણીઓ કરી હતી. વડી અદાલતે ત્યાં સુધી કહ્યું હતું કે, શરાબના તોતિંગ જથ્થાના બધાં જ કેસોમાં સરકાર રસ નથી લેતી, અમુક કેસોમાં જ (દાખલા તરીકે આ કેસમાં) સરકાર વધુ ઉંડે ઉતરે છે, ખાસ પ્રોસિકયૂટર પણ નીમે છે. સરકાર પાસે કોઈ ગાઈડલાઈન છે કે કેમ ?! એવો પ્રશ્ન પણ અદાલતે પૂછી લીધો. આ કેસ ગુરૂવારે ન્યાયમૂર્તિ ઉમેશ ત્રિવેદીની કોર્ટમાં ચાલવા પર આવ્યો હતો.