Mysamachar.in-અમદાવાદઃ
આમ તો પોલીસને જોઇને ભલભલા માથાભારે આરોપીઓનું પેન્ટ ભીનું થઇ જતું હોય છે, પરંતુ ભાગ્યે જ જોવા મળતી ઘટના અમદાવાદમાં જોવા મળી છે, અહીં પોલીસ પાસા હેઠળ આરોપીઓની અટકાયત કરવા તેના ઘરે પહોંચી હતી, જો કે આરોપી ભાગવાને બદલે પોલીસને ભાગવાનો વારો આવ્યો હતો, કારણ કે આરોપીના સગાવાહલાઓએ પોલીસની પાછળ પોતાનો કૂતરો છૂટો મૂક્યો હતો. કૂતરા કરડવાની બીકે પોલીસકર્મીઓને ભાગવાનો વારો આવ્યો અને આરોપીને પકડ્યા વગર વીલા મોઢે પરત ફરવું પડ્યું હતું.
વાત છે અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી નાણાવટી ચાલીની, અહીં ઝોન-5 ડીસીપીની સ્ક્વૉડમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ટીમ સાથે જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતુ અને શૈલેન્દ્રસિંહ ઉર્ફે શૈલેષ ચાવડા નામના આરોપીઓનું પાસાનું વોરંટ નીકળતા તેને પકડવા માટે પહોંચી હતી. પોલીસ ટીમને બાતમી મળી હતી કે બંને આરોપીઓ તેના ઘરે જ છે, આથી પોલીસ ટીમ તેના ઘરે પહોંચી, જો કે અહીં પોલીસને પોતાની કામગીરીમાં કૂતરો આડખીલ્લી બન્યો હતો. ઘરે પોલીસ આવી હોવાનું જાણ થતા જ બંને આરોપી છૂપાઇ ગયા, જ્યારે ઘરે હાજર અન્ય પરિવારના સભ્યોએ ચાલાકી વાપરી ઘરે રાખેલો કૂતરો છોડી મૂક્યો, જેવો પોલીસ ટીમે ઘરમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો કે તુરંત કૂતરાએ કરડવા માટે દોટ મૂકી, અંતે પોલીસને ત્યાંથી આરોપીઓને લીધા વગર જ પરત પડ્યું. સમગ્ર ઘટના અંગે પોલીસ ટીમે ઉચ્ચ અધિકારીઓને જાણ કરી, બાદમાં ફરાર બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.