Mysamachar.in-સુરત:
આર્થિક વિવાદો, મિલકતના મામલાઓ અને ‘તોડ’ પ્રકરણોને કારણે ગુજરાત પોલીસ સતત ચર્ચાઓમાં રહે છે. આ પ્રકારના વધુ એક મામલામાં પોલીસ ખુદ ઝડપાઈ ગઈ છે. એક મહિલા PSI, રાઈટર અને રાઈટરનો સાળો એક લાંચ પ્રકરણમાં ‘અંદર’ થઈ ગયા છે. આ કેસની જાહેર થયેલી વિગત અનુસાર, સુરતના કાપોદ્રાનો આ બનાવ છે. મહિલા ફોજદાર મધુ રબારી, રાઈટર નવનીત જેઠવા અને જેઠવાનો સાળો માનસિંહ સિસોદીયા એમ કુલ 3 આરોપીઓ રૂ. 63,000ની લાંચના છટકામાં સપડાઈ ગયા છે. હીરાની લેતીદેતીના એક વિવાદમાં જેઠવાએ વેપારીને એમ કહેલું કે, રૂ. 63,000 મારાં સાળા માનસિંહને આપી દેજે. માનસિંહ આ નાણાં રિસિવ કરવા ગયો હતો, જેને ACB એ ઝડપી લીધો.

આ પ્રકરણમાં મધુ રબારી અને નવનીત જેઠવા એક વેપારીનું ઉપરાણું લઈ બીજા વેપારીને દબાવતા ધમકાવતા હતાં અને ટોર્ચર કરી, લાંચની માંગણી કરી હતી. વેપારીએ લાંચ આપતાં અગાઉ ACBની અમદાવાદ ખાતેની વડી કચેરીનો સંપર્ક કર્યો. અમદાવાદ કચેરીએ આ તપાસ વડોદરા યુનિટને સોંપી. વડોદરા ACB એ સુરતમાં છટકું ગોઠવ્યું ,જેમાં આ ત્રણેય ઝડપાઈ ગયા. મહિલા ફોજદારનો પગાર રૂ. 69,000 અને રાઈટરનો પગાર રૂ. 30,000 છે.
