Mysamachar.in-જામનગર:
જામનગરનો બ્રાસ ઉદ્યોગ શહેર અને જિલ્લાની જિવાદોરી હોવાની સાથેસાથે આ ઉદ્યોગ પ્રદૂષણ સહિતની બાબતોમાં હંમેશા વિવાદોમાં પણ રહે છે. બ્રાસ ઉદ્યોગના આશરે 400 જેટલાં કારખાનેદારો તો એવા છે, જે બાકી વેરાઓ મુદ્દે હાઇકોર્ટમાં પછડાટ ખાઈ ચૂક્યા પછી પણ JMCને બાકી વેરાઓ ચૂકવવામાં અખાડા કરી રહ્યા છે. આ પ્રકારના એક કારખાનેદાર વિરુદ્ધ તો ગઈકાલે સોમવારે પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ છે. જેને કારણે હવે આ કારખાનેદારોમાં ફફડાટ શરૂ થયો છે.
આ સમગ્ર વિષય એવો છે કે, JMCની હદ 2013માં વધતાં દરેડના ત્રણેય ઉદ્યોગનગર મહાનગરપાલિકાની હદમાં આવી ગયા છે. આથી JMC આ 4,500 જેટલાં કારખાનેદારો પાસેથી 2013ની અસરથી મિલકતવેરા સહિતના વેરાઓ વસૂલવા આગળ વધી. તે દરમ્યાન 2013-2018 ના સમયગાળાનો વેરાઓનો મામલો વર્ષોથી સુપ્રિમ કોર્ટમાં પેન્ડિંગ છે.
આ ઉપરાંત વર્ષ 2023માં JMC અને કારખાનેદારોના એસોસિએશન વચ્ચે MoU થયું. જેમાં કારખાનેદારો એ બાબતે સહમત થયા કે તેઓ વર્ષ 2018 પછીના તમામ વેરાઓ અને ચાર્જીસ JMCને ચૂકવી આપશે. અને બદલામાં આ કુલ રકમની 75 ટકા રકમ JMC ઉદ્યોગનગર વિસ્તારોમાં કોર્પોરેશન હસ્તકની વિવિધ સેવાઓ અને સુવિધાઓ પાછળ ખર્ચ કરશે. જો કે, આ નિર્ણય પછી પણ 400 જેટલા કારખાનેદારોને વાંધો પડ્યો. તેથી તેઓ મામલો વડી અદાલતમાં લઈ ગયા, જ્યાં તેમને હારનો સામનો કરવો પડ્યો.
-આ કારખાનેદારોનો અદાલતમાં પરાજય થયા બાદ, તાજેતરમાં શું થયું ?…
આ મામલામાં વડી અદાલતમાં મહાનગરપાલિકાની તરફેણમાં નિર્ણય આવ્યો કે, JMC આ 400 કારખાનેદારો પાસેથી બાકી વેરાઓની વસુલાત કરી શકશે. ત્યારબાદ ગઈકાલે સોમવારથી JMC એ આ કારખાનેદારો પાસેથી વર્ષ 2018થી અત્યાર સુધીની બાકી વેરાઓની કડક વસુલાત શરૂ કરી. જે કુલ રકમ આશરે રૂ. 40 કરોડ જેટલી થવા જાય છે. જે બાબતે JMC આ તમામ કારખાનેદારોને અગાઉ નોટિસ પણ આપી ચૂકી છે.
ત્યારબાદ ગઈકાલે સોમવારે JMC ના ટેક્સ વિભાગના ઈન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર જીગ્નેશ નિર્મળની આગેવાનીમાં કોર્પોરેશનની ટીમ બાકી વેરા વસુલાત માટે સિકયોરિટી કર્મીઓ અને પોલીસ ટૂકડી સાથે દરેડ ઉદ્યોગનગર પહોંચી અને બાકી વેરા વસુલાત કામગીરીઓ શરૂ કરી.
આ કામગીરીઓ દરમ્યાન 10 મિલકતધારકોએ કુલ રૂ. 1,39,44,996 ની રકમ JMC ને બાકી વેરાઓ પેટે ચૂકવી આપી. આ ઉપરાંત 5 મિલકતધારકોએ બાકી રકમ ચૂકવવા તૈયારીઓ ન દાખવતા મહાનગરપાલિકાએ આ 5 મિલકતો સીલ કરી દીધી છે. આ 5 મિલકતધારકોએ JMC ને વેરાઓ પેટે કુલ રૂ. 58,80,147 ચૂકવવાના બાકી છે. આ મિલકતધારકો પૈકી એક મિલકતધારકે JMC ની ટીમ સાથે દાદાગીરી આચરી હતી ! જેના વિરુદ્ધ FIR દાખલ થઈ છે.
જામનગરના પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ કારખાનેદાર વિરુદ્ધ JMC ના ટેક્સ વિભાગના ઈન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર જીગ્નેશ નિર્મળે ખુદે ફરિયાદી બની પોલીસ ફરિયાદ દાખલ કરાવતા કારખાનેદારોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.
આ ફરિયાદમાં જણાવાયું છે કે, દરેડ ઉદ્યોગનગર-2 માં શેડ નંબર 3420/3421માં ઓરેન્જ ઈન્ડિયા બ્રાસ મેટલ્સ પ્રા.લિ.નામનો ઉદ્યોગ ધરાવતા મિલકતધારક મિતેશ ત્રિભોવનભાઈ ભાલોડીયાને ત્યાં આ ફરિયાદી તથા તેમની ટીમ બાકી વેરાઓ વસુલાત મામલે ગઈ હતી. મિતેશ ભાલોડીયાએ JMC માં રૂ. 6,93,919 ભરવાના બાકી છે. આ બાકી વેરો ભરવા આરોપીને જણાવતા આરોપીએ ઉશ્કેરાઈ જઈ આ ‘સરકારી’ અધિકારીને ધક્કો લગાવી દીધો અને સમગ્ર ટીમ સામે ઉદ્ધત વર્તન કર્યું અને એ રીતે સરકારી ફરજમાં રૂકાવટ ઉભી કરી. આ પોલીસ ફરિયાદ અને સિલિંગ બાદ મહાનગરપાલિકાએ આજે મંગળવારે પણ અહીં ઉદ્યોગનગર ખાતે બાકી વેરાઓ વસુલાત કામગીરીઓ હાથ ધરી છે.