Mysamachar.in-અમદાવાદઃ
અમદાવાદ શહેર આતંકીઓના નિશાના પર હોવાની આશંકાને કારણે અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડી લોકોને સતર્ક રહેવાની સૂચના આપી છે. આ જાહેરનામાં સૌથી વધુ ધ્યાન સાયકલ/સ્કૂટરના વેપારીઓએ રાખવાની જરૂર હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયા દ્વારા બહાર પાડવામાં આવેલા આ જાહેરનામાં જણાવવામાં આવ્યું કે આધારભૂત સ્ત્રોતના માધ્યમથી અગત્યના ઇનપુટ મળતા રહે છે, કે જાહેર સ્થળો કે જ્યાં જાહેર જનતાની અવર-જવર વધુ રહેતી હોય તેવી જગ્યાઓ જેવી કે બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, વગેરે સ્થળોએ સાયકલ, મોટર સાયકલ કે ફોર વ્હીલરમાં બોલ્બ જેવી વિસ્ફોટક સામગ્રી ફીટ કરીને બ્લાસ્ટ દ્વારા ભયાવહ કૃત્યને અંજામ આપવામાં આવી શકે છે.
જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે ગુપ્તચર એજન્સીઓ દ્વારા ઇનપુટ મળેલ છે કે જુદા-જુદા આતંકી સંગઠનો દ્વારા અમદાવાદ શહેરમાં પર્યટન સ્થળો, હેરીટેજ સ્થળો, સરકારી કચેરીઓ વગેરે જેવા સ્થળોએ આ પ્રકારના વિસ્ફોટકો દ્વારા હુમલો થઇ શકે છે. આ માટે સાયકલ/સ્કુટર ખરીદી માટે આવનાર ખરીદનાર વ્યક્તિની ઓળખ માટે સાયકલના વેપારીઓએ કોઇ માન્યતાપ્રાપ્ત દસ્તાવેજી પુરાવા મેળવી ખરાઇ કરી સંપર્કની વિગત મેળવી ફરજિયાત રહેશે.
સાયકલ-સ્કૂટર વેચનારાઓ માટે સૂચના
સાયકલ-સ્કૂટર ખરીદનારને ફરજિયાત બિલ આપવું અને તેની સ્થળ પ્રત કબજામાં રાખવી, વેચાણ લેનાર ગ્રાહકનું ડ્રાઇવિંગ લાયસન્સ, પાનકાર્ડ, ઇલેક્શન કાર્ડ, રેશનકાર્ડ, આધારકાર્ડ કે નોકરી કરતાં હોય તો ત્યાંનું ઓળખપત્ર કે શૈક્ષણિક સંસ્થાનું પ્રમાણપત્ર કે સ્થાનિક અગ્રણીઓ જેવા કે મ્યુનિસિપલ કોર્પોરેટર, ધારાસભ્ય, સંસદસભ્ય, કોઇપણ ખાતાના રાજ્યપત્રિત અધિકારી તરફથી મેળવેલ ઓળખપત્ર પૈકી કોઇપણ એક વેલિડ પુરાવો ઓળખ માટે ગ્રાહક પાસેથી મેળવી લેવાનું ફરજિયાત રહેશે, બિલમાં ખરીદનારનું પુરું સરનામ-નામ, સંપર્ક માટે ટેલિફોન/મોબાઇલ નંબર લખવો. વેચાણ બિલમાં સાયકલ/સ્કૂટરનો ફ્રેમ નંબર/ચેસીસ નંબર અવશ્ય લખવો.આ હુકમ તારીખ 01-02-2020થી તારીખ 31.03.2020 સુધી અમલમા રહેશે. તથા આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર અથવા મદદ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.