Mysamachar.in-મહેસાણા
મહેસાણા એલસીબી પોલીસે દાહોદમાં મજુરનો વેશ ધારણ કરીને રેકી કર્યા બાદ ચોરીને અંજામ આપતી ગેંગ પકડી છે. આ ગેંગ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મંદિર અને ઘરફોડ ચોરીને અંજામ આપી ચૂકી છે. મહેસાણા જિલ્લાની 11 મળી કુલ આ ટોળકીએ હાલમાં 19 ચોરી કર્યાની કબૂલાત કરી છે. મહેસાણા એલસીબી પોલીસને આ ટોળકીને પકડવા સતત 10 દિવસ સુધી દાહોદ વિસ્તારમાં વેશ બદલીને ફરવુ પડ્યું હતું. પોલીસે હાલમાં કાયદાના સંઘર્ષમાં રહેલા એક કિશોર સહિત 4 ચોરને ઝડપી લઈ રૂપિયા 2 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
મહેસાણા પોલીસે કનુ મિહિયા, રાકેશ ગુડિયા અને પરેશ ભુરિયાની ધરપકડ કરી છે. આ ત્રણેય શખ્સ દાહોદ જિલ્લાના ગરબાડાના રહેવાસી છે. આ ટોળકી અત્યાર સુધી લાખોની ચોરીને અંજામ આપી ચૂકી છે. દિવસે મંદિર વિસ્તારમાં મજુરનો વેશ ધારણ કરીને આ ત્રણેય લોકો રેકી કરતા હતા. ત્યાર બાદ રાત્રે મંદિરને નિશાન બનાવી મંદિરના ઘરેણાં લઈને ફરાર થઈ જવું એ ટોળકીનું મુખ્ય કામ છે. અત્યાર સુધીમાં મહેસાણા જિલ્લામાં 12 અને અન્ય વિસ્તારની મળી કુલ 19 કરતા વધુ ચોરીને આ ટોળકી અંજામ આપી ચૂકી છે.
લાખોની ચોરીને અંજામ અપાઈ ચૂકેલી દાહોદની આ ટોળકી સૌથી વધુ મંદિરને નિશાન બનાવતી હતી. રાત્રિ દરમિયાન મંદિરમાં ચોકીદાર કે અન્ય કોઈ વ્યવસ્થા નહીં હોવાના કારણે આ ટોળકી માટે ચોરી માટે રસ્તો ખુલ્લો થઈ જતો. આ ટોળકી અત્યાર સુધી એવા જ મંદિરને નિશાન બનાવી ચુકી છે જ્યાં રાત્રી દરમિયાન કોઈ રહેણાંક ધરાવતું ન હતું. પોલીસે હાલમાં કાયદાના સંઘર્ષમાં રહેલા એક કિશોર સહિત 4 ચોરને ઝડપી લઈ રૂપિયા 2 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.