Mysamachar.in-સુરેન્દ્રનગર:
તસ્કરોની ચોરી કરવાની અલગ અલગ મોડસ ઓપરેન્ડી હોય છે, અને તે મુજબ જ તેવો ચોરીઓને અંજામ આપતા હય છે, પણ સુરેન્દ્રનગર પોલીસને એક એવી ગેંગ હાથ લાગી છે જે હાઈવે પરથી પસાર થતા ટ્રક જેવા મોટા વાહનોની તાલપત્રી કાપીને ચોરીને ઘટનાઓને લાંબા સમયથી અંજામ આપતી હતી, અત્યારસુધીમાં આ ગેંગે કેટલીય ચોરીને અંજામ આપ્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જ કબુલી લીધું છે, ગેડિયા ગેંગ પોલીસને હાથ લાગતા પોલીસને મોટી સફળતા મળી છે, આ ગેંગે સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા, રાજકોટ અને મોરબી સહિતના જિલ્લામાં 122 વાહનોમાંથી ચોરી કરી હોવાની કબુલાત કરતા પોલીસે વધુ તજવીજ હાથ ધરી છે.
લીંબડી નેશનલ હાઇવે ઉપર ચોરી કરવા ગેડિયા ગેંગ ત્રાટકી હોવાના ખબર મળતા લીંબડી પીએસઆઇ એસ.એસ.વરૂએ ગેંગનો પીછો કર્યો હતો. તે લીંબડી લખતર રોડ ઉપર પોલીસ અધિકારીની ગાડીને ટકકર મારીને ગેંગ ભાગી ગઇ હતી.ત્યારબાદ પણ હાઇવે ઉપર ચોરીના બનાવો ચાલુ રહ્યા હતા. એવામાં આરોપીઓનું પગેરૂ દબાવવા માટે એલસીબી ટીમે ગેડિયા પંથકમાં ખાનગી રાહે ધામા નાખ્યા હતા. જેમાં બે ઇનાવોકાર અને આરોપી ગેડિયાથી ફુલકી ચોકડીના રસ્તે વિરમગામ તરફ જતા હોવાની હકીકત મળી હતી.
પીએસઆઈ વી.આર.જાડેજાએ એલસીબી ટીમ સાથે ઉપરીયાળા ફાટક પાસે કોર્ડન કરીને ગેંગને પડકારી હતી. પોલીસ આવ્યાની જાણ થતાની સાથે આરોપીઓએ ગાડી મારી મુકી હતી. પરંતુ સંપુર્ણ તૈયારી સાથે ત્રાકેલી પોલીસે ગેડિયા ગેંગના પાંચ આરોપીને પકડી લીધા હતા. તેમની પાસેથી ચોરી કરેલો ઘર વપરાશનો સામાન, રોકડ ,વાહનો તથા ઘાતક હથીયારો સાથે 13.98 લાખનો મુદામાલ મળી આવ્યો હતો. પકડાયેલા ખુંખાર આરોપી પૈકી ગેડીયાનો વસીમ બીસ્મીલ્લાખાન મલેક દારૂના અનેક ગુનાઓ આચરી ચુકયો છે. ઉપરાંત માંડલના ખુન કેસમાં પણ પકડાયો હતો.તે જેલમાંથી છુટયા બાદ આઠ મહિના પહેલા પેરોલ જંપ કરેલો છે.આ ગેંગે સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા, રાજકોટ અને મોરબી સહિતના જિલ્લામાં 122 વાહનોમાંથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.
ઝડપાયેલી ગેડિયા ગેંગની ચોરી કરવાનો એમઓ એવી છે કે તેનાથી તેને ઝડપી પાડવા પણ મુશ્કેલ હતા, ગેંગ સામાન ચોરવા માટે ગેંગ આગળ જતી ટ્રકની પાછળ લાઇટ બંધ કરીને પોતાની પીકઅપ વાહન ચલાવે છે. ચાલુ પીકઅપે બોનટ ઉપર ચડી જઇને એક સાગરીત આગળ જતી ટ્રકમાં ચડી જાય છે. અને બીજો પીકઅપના બોનટ ઉપર ઉભો રહે છે. ટ્રકની તાડપત્રી તોડીને તેમાંથી સામાન ચોરી કરીને 50થી 60ની રનીંગ સ્પીડે બોનટ ઉપર ઉભેલો શખ્સ સામાન લઇ લે છે.અને આમ તાલપત્રી રસ્સા કાપીને ચાલુ વાહને જ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવે છે. પોલીસે ગેડિયા ગેન્ગના આરોપીઓ વસીમખાન બીસ્મીલાખાન મલેક, અલી નથુભાઇ લાડક, જસવંત ઉર્ફે જસો કાળુભાઇ સોયા, અમજીતખાન રસુલખાન મલેક, સીરાજખાન રહીમખાન મલેક, આ તમામ ને ૩ લાખનો ચોરાઉ મુદામાલ, ૯૦ હજાર રોકડા, બે ઈનોવા કાર સહીત ૧૪ લાખના મુદામાલ સાથે ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે, અને વધુ કેટલાક ગુન્હાઓનો ભેદ પણ ઉકેલાઈ તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.