Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં કેટલાક વિસ્તારોમાં મોંઘીદાટ બાઈકો ધૂમ સ્ટાઈલે ચલાવી અને લફરાબાજી કરતા કેટલાય બાઈકર્સ બેફામ બન્યા હતા ત્યારે હવે જામનગર ટ્રાફિક પોલીસ હવે એક્શન મોડમાં આવી છે અને આવા ધૂમ બાઈકર્સને સીધા દૌર કરવા ડ્રાઈવ આરંભી છે અને શહેરના એ ખાસ વિસ્તારો જ્યાં આવા બાઈકર્સ રીતસરનો આતંક મચાવતા હતા ત્યાંથી આવા મોંઘાદાટ બાઈકો ડીટેઈન કરી લેવામાં આવ્યા છે.
જામનગર ટ્રાફિક પોલીસ ઇન્સપેક્ટર એમ.બી.ગજ્જરના માર્ગદર્શન મુજબ સાત રસ્તા સર્કલ, સુભાષબ્રીજ, તળાવની પાળ આશાપુરા હોટલ તથા પંચવટી બુક બોન્ડ સર્કલ જેવા અલગ-અલગ વિસ્તારમાં ગઈકાલે જુદી-જુદી ટીમો બનાવી મુખ્યત્વે ધુમ સ્ટાઈલથી ભયજનક રીતે વાહન ચલાવતા અને વધુ અવાજ કરતા ફાયર સાઈલેન્સર વાળા સ્પોટર્સ બાઈક અને બુલેટ ચલાવતા વાહન ચાલકોને રોકતા વાહન ચાલકે વાહનોના દસ્તાવેજ રજુ ના કરતા આવા ધૂમ સ્ટાઈલ વાહનચાલકો વિરૂધ્ધ એમ.વી.એક્ટ-207 મુજબ કુલ-50 થી વધુ વાહનોને ડીટેઈન કરવામા આવેલ છે.
તદઉપરાંત અન્ય ટ્રાફિક નીયમનના ભંગ બદલ કુલ સમાધાન શુલ્ક દંડ 01,63,800 રૂપિયાના દંડની વસુલાત કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. આ કામગીરી ટ્રાફિક પોલીસ ઇન્સ્પેકટર એમ.બી.ગજજરના માર્ગદર્શનમાં પી.એસ.આઈ. આર.ડી.ગોહિલ પી.એસ.આઈ. આર.એલ.કંડોરીયા, પી.એસ.આઈ. બી,જે.તીરકર પીએસઆઈ આર.સી.જાડેજા સહિતની ટીમો દ્વારા સ્ટાફને સાથે રાખી કરવામાં આવી હતી.