Mysamachar.in-અમદાવાદઃ
સ્કૂલ-કોલેજ સમયમાં વિદ્યાર્થીઓના ગ્રૂપ્સ વચ્ચે નાના-મોટા ઝઘડાઓ થતા રહે છે, પરંતુ જ્યાં સંસ્કારોનું સિંચન થતું હોય છે, એવા વિદ્યાના મંદિરમાં જ કેટલાક યુવાનો અવળે રસ્તે જવાની ટ્રેનિંગ લેવાનું શરૂ રહ્યાં છે. અમદાવાદમાં એક ખાનગી કોલેજમાં ડોન બની રોફ જમાવવાનો પ્રયાસ કરી રહેલા એક યુવકને પોલીસે પકડી જેલની હવા ખવડાવી છે. આ યુવક પર આરોપ છે કે તેણે કોલેજમાં વર્ચસ્વ જમાવવા માટે અન્ય એક યુવકનું અપહરણ કરી તેને માર મારી લૂંટી લીધો.
બનાવની વિગત પ્રમાણે ઋષિલ પટેલ નામના યુવકે કોલેજમાં સાથે ભણતા યુવક પાસેથી પૈસા ઉછીના લીધા હતા. પરંતુ ચૂકવવામાં મોડું થયું હતું. આ વાતની જાણ મિત્રએ કોલેજમાં આવતા સુધીર દેસાઇ નામના યુવકને કરી, બાદમાં સુધીરે અન્ય ત્રણ-ચાર શખ્સો સાથે મળી ઋષિલનું કારમાં અપહરણ કરી લીધું. ઋષિલનું અપહરણ કરી તેઓ શહેરમાં અનેક વિસ્તારોમાં ફર્યા આ દરમિયાન ઋષિલને માર મારવામાં આવ્યો અને મોબાઇલ ફોન તથા રોકડા લૂંટી લીધા. બાદમાં ઋષિલે પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે આરોપી સુધીર દેસાઇને ઝડપી પાડ્યો પણ અન્ય લોકો ફરાર થઇ ગયા હતા. પોલીસે સુધીરની ધરપકડ કરી જેલ હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.