Mysamachar.in-અમદાવાદઃ
રાજ્યમાં દારૂબંધીનો ચૂસ્ત અમલ કરાવવાની જવાબદારી પોલીસની છે, પરંતુ રક્ષક જ ભક્ષક બને તો ? ભાવનગરના ઇન્ચાર્જ પીઆઇ અમદાવાદમાં દારૂ પીને દંગલ કર્યાની ઘટનાથી ભારે ચર્ચા જાગી છે. ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ એમ.એચ. યાદવ ભાડજ સર્કલ પાસે મોડી રાતે દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. સોલા પોલીસની ટીમ ઇન્ચાર્જ પીઆઇની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી, જો નશામાં ચૂર પીઆઇએ પોલીસ સ્ટેશન માથે લીધું અને ફરજ પર રહેલા પીઆઇ જાડેજા અને સેકન્ડ પીઆઇ ડી.એચ.ગઢવી તેમજ પીએસઆઇ રાણાને જોઇ લેવાની ધમકી આપી હતી. આરોપી યાદવને મેડિકલ ટેસ્ટ માટે હોસ્પિટલ લઇ જવાયો, જ્યાં યાદવે પોલીસ સ્ટાફને ગાળો આપતાં કહ્યું કે ‘જાડેજા તને તો હું જાનથી મારી નાખીશ’ તેમજ ‘ક્યાં ગયો રાણા તને તો હું છોડીશ નહીં’પીઆઈ ગઢવીને તું મને પોલીસ સ્ટેશન લઈ આવ્યો છે તને પણ હું છોડીશ નહીં’ તેમ કહીં અધિકારીઓને ધમકી આપી હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે ઇન્ચાર્જ પીઆઇ યાદવે એક કલાક સુધી સોલા પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવી હતી સોલા પોલીસે પીઆઈ યાદવની દારૂના કેસમાં તેમજ પોલીસની કામગીરીમાં રૂકાવટ બદલ ગૂનો નોંધી તેમની ધરપકડ કરી છે. આરોપી યાદવ હાલ રજા પર છે અને ગાંધીનગર સરગાસણ પાસે સ્વાગત ફ્લેમિંગોમાં રહે છે. યાદવને મેડિકલ તપાસ માટે લઈ જતા ઉશ્કેરાઈ ગયા અને ‘મારી ઉપર કેસ કેમ કર્યો’તેમ કહી ગાળાગાળી શરૂ કરી હતી. ઈનવે સ્કવોડમાં ઉશ્કેરાઈ જઈ લેપટોપની તોડફોડ કરી હતી. આ દરમિયાન પીઆઈ સહિત સ્ટાફના પોલીસકર્મીઓ દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે એમ એચ યાદવ અગાઉ અમદાવાદના ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં D સ્ટાફ પીએસઆઇ તરીકે પણ ફરજ બજાવી ચુક્યા હતા.