Mysamachar.in-અમદાવાદઃ
જામનગર સહિત રાજ્યભરમાં વ્યસન એ આજના યુગનું સૌથી મોટું દુષણ માનવામાં આવે છે. એક વખત માણસ વ્યસનના રવાડે ચડી જાય પછી તે બહાર નીકળી શકતો નથી. વ્યસનને કારણે આર્થિક અને શારીરીક નુકસાન છે. વ્યસનને કારણે માણસ ગુનાહિત કૃત્ય કરતાં પણ અચકાતો નથી. જેના કારણે સમાજમાં ગુનાઓનું પ્રમાણ વધે છે, ત્યારે અમદાવાદ પોલીસ હવે વ્યસન મુક્ત કરાવવામાં તમારી મદદ કરશે. ગોમતીપુરમાં પોલીસ, પ્રજા અને સામાજિક કાર્યકરો દ્વારા વ્યસન મુક્તિની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં વ્યસન મુક્ત થવા ઇચ્છતા લોકો રજિસ્ટ્રેશન કરાવશે તો તેઓને નશામુક્તિ કેન્દ્ર મોકલવા સહિતની મદદ કરવામાં આવશે.
અમદાવાદમાં ગોમતીપુરમાં છેલ્લા એક વર્ષથી પોલીસ, પ્રજા અને સામાજિક કાર્યકરો દ્વારા વ્યસન મુક્તિ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં અત્યારસુધીમાં બૂટલેગર સહિત 28 લોકો વ્યસનમુકત થયાની સફળતા મળી છે, ત્યારે ઝોન-5માં આવતા 8 પોલીસ સ્ટેશનમાં વ્યસનમુક્તિ ઝુંબેશ શરૂ કરાશે. આ ઝુંબેશ અંતર્ગત જો કોઇ વ્યક્તિ વ્યસન મુક્ત થવા ઇચ્છે છે તો તે નજીકના પોલીસ સ્ટેશનમાં રિજસ્ટ્રેશન કરાવવાનું રહેશે, ત્યારબાદ પોલીસ અને NGO દ્વારા આ વ્યક્તિને નશા મુક્તિ કેન્દ્રમાં મોકલવા સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અત્યારસુધીમાં 30 લોકોએ વ્યસન છોડવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. પોલીસનું કહેવું છે કે FIR નોંધવા આવતા લોકોને પણ આ અંગે માહિતગાર કરવામાં આવશે, જો તેઓ પણ આ ઝુંબેશમાં જોડાવવા ઇચ્છશે તો તેમને માહિતી અને મદદ કરવામાં આવશે. વ્યસન એક એવી વસ્તુ છે જેની ચંગુલમાં વ્યક્તિ સરળતાથી આવી જાય છે, પરંતુ તેનાથી છૂટકારો તે ધારે તો પણ મેળવી શકતો નથી, એવામાં અમદાવાદ પોલીસ અને સામાજિક કાર્યકરોના આ સેવાકિય કાર્યને જરૂર બિરદાવવું જોઇએ અને આ ઝુંબેશ રાજ્યભરમાં શરૂ કરવી જોઇએ તેવું લોકો કહી રહ્યાં છે.