Mysamachar.in-જામનગર:
ગુજરાત સહિત સમગ્ર દેશમાં વધુને વધુ ડિજિટાઈઝેશન અમલમાં આવે તે માટે વડાપ્રધાન અંગત રસ દાખવી રહ્યા છે. ગુજરાત સરકાર પણ આ દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. આ જ ગાઈડલાઈન મુજબ, જામનગર કોર્પોરેશનમાં પણ ડિજિટલ વ્યવસ્થા આગળ વધારવા કમિશનર દ્વારા બાયોમેટ્રિક હાજરી અંગે એક દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી પરંતુ ગુરૂવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કમિશનરની આ દરખાસ્તને, હાલ, અભેરાઈ પર મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે !
સ્ટેન્ડિંગ કમિટીની આઠમી સપ્ટેમ્બરે યોજાયેલી બેઠકમાં અગાઉની બેઠકની મિનિટસને બહાલી પછીનો પ્રથમ જ એજન્ડા બાયોમેટ્રિક હાજરી અંગેની કમિશનરની આ દરખાસ્ત હતી. પરંતુ કમિટીએ આ દરખાસ્ત નામંજૂર કરી દીધી છે. ડિજિટલ ઇન્ડિયા અભિયાન આડે કોર્પોરેશન ખુદ સ્પીડ બ્રેકર ! જો કે, કમિશનરની આ દરખાસ્ત શા માટે નામંજૂર કરવામાં આવી છે ? તે અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કોઈ સ્તરેથી જાહેર થઈ નથી, પરંતુ આપણે સૌ જામનગર કોર્પોરેશનમાં ખાસ કરીને સોલિડ વેસ્ટ શાખામાં હાજરી કૌભાંડ અંગે ઘણું જાણીએ જ છીએ. કમિશનરની આ દરખાસ્ત આ શાખા માટે જ હતી, જેમાં હાલ સ્થાપિત હિતોનો હાથ ઉપર રહ્યો છે.
સોલિડ વેસ્ટ શાખામાં કર્મચારીઓની બાયોમેટ્રિક ( ફેસ રીડિંગ) હાજરી અંગે શહેરમાં તમામ વોર્ડ ઓફિસ ખાતે આ મશીન ખરીદવા અને ઇન્સ્ટોલ કરવા અંગે કમિશનર દ્વારા દરખાસ્ત લાવવામાં આવી હતી. જે દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નામંજૂર કરવામાં આવી છે.
સૌ જાણે છે એમ, સોલિડ વેસ્ટ શાખામાં ભ્રષ્ટાચાર પણ સોલિડ રીતે ચાલી રહ્યો છે. વેસ્ટનાં મેનેજમેન્ટમાં કરદાતા નગરજનોના નાણાં કેવી કેવી રીતે વેસ્ટ થઈ રહ્યા છે ? તે અંગે પણ અવારનવાર ઉહાપોહ મચે જ છે. અને, આ શાખાનું મેનેજમેન્ટ કાયમ ચર્ચા અને વિવાદમાં રહેતું હોવાનો મુદ્દો પણ જાણીતો છે. આ બધી બાબતોનાં ઉપાય માટે કમિશનરે પ્રથમ પગલાંરૂપે કર્મચારીઓની બાયોમેટ્રિક હાજરી પૂરવા પ્રયાસ કર્યો, જે અત્યારે સફળ રહ્યો નથી.
કમિશનરની આ સમયસરની અને જરૂરી દરખાસ્તને આગળ વધારી કમિટીએ પારદર્શકતા માટેની પોતાની નિષ્ઠાના દર્શન કરાવ્યા હોત તો, કોર્પોરેશન ડિજિટલ ઇન્ડિયા તરફ એક ડગલું વધુ આગળ વધી શક્યું હોત અને સોલિડ વેસ્ટ શાખામાં મેનેજમેન્ટ વધુ સારૂં બનવાની દિશામાં પણ આગળ વધી શકાતું હોત. પરંતુ ખેર, ધણીનું કોઈ ધણી નથી.