Mysamachar.in-અમદાવાદ:
PMJAY ખૂબ જ સારી યોજના છે, જેના માધ્યમથી સરેરાશ નાગરિક પણ શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ અને સુવિધાઓ પ્રાપ્ત કરી શકે છે અને તેથી લાખો લોકોની જિંદગીઓ પણ મોતના મુખમાં જતી બચી રહી છે. પરંતુ અન્ય સરકારી યોજનાઓ માફક આ યોજનામાં પણ ગફલાં અને ગોબાચારીઓ ચાલી રહી હોય, કરદાતા નાગરિકોની કમાણીના કરોડો રૂપિયા એટલે કે સરકારી તિજોરીનું નાણું ભ્રષ્ટ તત્ત્વોને સમૃધ્ધ બનાવી રહ્યું છે- આ બંધ થવું જોઈએ, સરેરાશ નાગરિક આમ ચાહે છે.
આ યોજનામાં કેટલાક ખાનગી તબીબો અને કેટલીક ખાનગી હોસ્પિટલો કૌભાંડ આચરી રહ્યા છે, સરકારના કરોડો રૂપિયા ‘લૂંટી’ રહ્યા છે. બધાં જ રાજયોમાં આવા તત્ત્વો આ યોજનાનો ગેરલાભ લઈ સમૃધ્ધ બની રહ્યા છે. દર્દીઓના ઓપરેશન ન કર્યા હોય તો પણ ઓપરેશન ખર્ચ, સારવાર ખર્ચ વગેરેના નાણાં સરકારમાંથી ઉસેડી રહ્યા છે. જે દર્દીઓને ઓપરેશનની જરૂર ન હોય તેવા દર્દીઓના પણ ઓપરેશન કરી નાંખવામાં આવે છે. આવા ઓપરેશન ‘કમાણી’ માટે તબીબો અને હોસ્પિટલો કરે છે. અને આ પ્રકારના બિનજરૂરી ઓપરેશન થયેલાં હોય તે પૈકી ઘણાં દર્દીઓના મોત પણ થઈ રહ્યા છે, આમ નાણાંની લૂંટ ઉપરાંત માત્ર નાણાં માટે દર્દીઓની જિંદગીઓ પણ તબીબો અને હોસ્પિટલો આંચકી રહ્યા છે !

-તાજેતરમાં કેન્દ્ર સરકારે સંસદમાં આ સંબંધે રેકર્ડ પરના કેટલાંક આંકડા જાહેર કર્યા. આંકડા કહે છે
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગુજરાતની હોસ્પિટલોએ ખોટાં બિલો મૂકી સરકારની તિજોરીમાંથી રૂ. 31.58 કરોડ સેરવી લીધાં. એ જ રીતે યોગીના ઉત્તરપ્રદેશની હોસ્પિટલોએ ખોટાં બિલો મૂકી સરકારમાંથી રૂ. 139 કરોડ પોતાની તિજોરીમાં ઠાલવી દીધાં. અત્રે ઉલ્લેખનિય છે કે, આવા તત્વો આખા દેશમાં છે જે કૌભાંડ દ્વારા લૂંટ ચલાવી રહ્યા છે. લોકો ચાહે છે કે, આ સારી યોજનાનો લોકોને લાભ મળતો રહે પણ આ ભ્રષ્ટ તત્ત્વો પર સકંજો કસવા વિજિલન્સ વ્યવસ્થાઓ સુદ્રઢ બનાવવામાં આવે અને એ રીતે પ્રજાનો પૈસો બરબાદ થતો અટકાવવામાં આવે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં ખ્યાતિકાંડ ઉજાગર થતાં, દેશભરમાં આવા મામલાઓ ગાજી ઉઠ્યા છે. સરકારો કડક વલણ અખત્યાર કરશે ? લોકો આ પ્રશ્ન પૂછી રહ્યા છે.
