Mysamachar.in-જામનગર:EXCLUSIVE
જામનગર શહેર અને જિલ્લાના એકએક નાગરિક સહિત દેશભરના કરોડો નાગરિકોના આરોગ્યની ચિંતાઓ કરતી કેન્દ્ર સરકારે PMJAY નામની જન આરોગ્ય સેવાઓ ચાલુ કરી છે અને આ યોજના અંતર્ગત લોકોને આરોગ્ય સેવાઓ અને સુવિધાઓ તથા સહાય મળી રહી છે, પરંતુ ગુજરાત સરકારનો આરોગ્ય વિભાગ આ ઉમદા યોજનામાં પણ ભૂંડી ભૂમિકાઓ ભજવી રહ્યો હોવાની સ્થિતિઓ છે, જેના કારણે અમદાવાદનો ખ્યાતિકાંડ સર્જાયો. હાલમાં જામનગર સહિત આખા ગુજરાતમાં ખ્યાતિકાંડના ઘેરા અને ગંભીર પડઘા પડી રહ્યા છે, અને રાજ્ય સરકારના આ વિભાગ પર દિનરાત માછલાં ધોવાઈ રહ્યા છે. ધારો કે આવો ખ્યાતિકાંડ જામનગર શહેર અથવા જિલ્લામાં સર્જાઈ જાય તો ?! આ પ્રશ્ન ઉભો થવાનું કારણ એ છે કે, જામનગર શહેર અને જિલ્લામાં PMJAY યોજનામાં ખોફનાક અંધારું પ્રવર્તી રહ્યું છે.
Mysamachar.in દ્વારા આજે સવારે જામનગર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભાયાનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. તેઓ જામનગર જિલ્લામાં PMJAY માં શું સ્થિતિઓ છે, તે પ્રશ્નનો ઉત્તર છૂપાવવા ઈચ્છતા હોય તેમ, એમણે એવો જવાબ આપ્યો કે, આ તમામ વિગતો ખાનગી કંપની (બજાજ)પાસે હોય, અમારે પ્રેસને આ વિગતો આપવી હોય તો, કંપનીના અધિકારી અથવા ડોક્ટર પાસેથી મેળવવી પડે.
કલ્પના કરો: જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ખુદ ખાનગી કંપનીના ઓશિયાળા છે ! તેમની પાસે કાંઈ જ વિગતો નથી ! આ સ્થિતિઓમાં જિલ્લામાં PMJAY યોજનામાં કોઈ ગોબાચારીઓ ચાલી રહી છે કે કેમ, અથવા કેવા પ્રકારની અનિયમિતતાઓ, ગેરરીતિઓ કે ગોબાચારીઓ ચાલી રહી છે, એવા પ્રશ્નોના જવાબો આ અધિકારી (ખાનગી કંપનીને પૂછ્યા વગર) કેવી રીતે આપી શકે ?! ધારો કે જામનગરમાં ખાનગી ખૂણે ખ્યાતિકાંડ ચાલી રહ્યો છે કે કેમ, તે તંત્રને કેવી રીતે ખબર પડે ??
આ ઉપરાંત Mysamachar.in દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને એ પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો કે, જામનગર જિલ્લામાં PMJAY હોસ્પિટલો વિરુદ્ધ કોઈ ફરિયાદ ? કોઈ ફરિયાદની તપાસ ? કે કાર્યવાહીઓ ચાલી રહી છે કે કેમ ? આ પ્રશ્નોથી બચવા અધિકારીએ એવો જવાબ આપી દીધો કે, એ બધું કલેક્ટર ઓફિસ હસ્તક. ટૂંકમાં, જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી- માત્ર હોદ્દો ભોગવે છે, સરકારી કાર્યક્રમોમાં સ્ટેજ શોભાવે છે, PMJAY જેવી મોટી અને સુંદર યોજનામાં એમની કોઈ જ જવાબદારીઓ નહીં ?! તેઓ શા માટે આટલી લઘરવઘર રીતે સમગ્ર જિલ્લાનું આરોગ્યતંત્ર ચલાવી રહ્યા છે ?! એમાં એમનો કોઈ છૂપો એજન્ડા છે ?!
જામનગરની સાત સાડાસાત લાખની વસતિ અને જિલ્લાની કુલ અગિયાર બાર લાખની વસતિને એકદમ નજીકથી સ્પર્શતી આ PMJAY યોજનામાં માત્ર જિલ્લામાં જ નહીં, શહેરમાં પણ સંપૂર્ણ લઘરવઘર સ્થિતિઓ છે !! જામનગર શહેરમાં PMJAY યોજનાની સંપૂર્ણ કામગીરીઓ જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસરે જોવાની હોય, પરંતુ આ અધિકારી (ડો. હરેશ ગોરી) પાસે આ યોજનાની કોઈ જ વિગતો નથી ! જિલ્લામથક એવા જામનગર શહેરમાં કેટલી સરકારી, ખાનગી અને ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલો PMJAY યોજના સાથે સંકળાયેલી છે- એ આંકડો પણ આ અધિકારીને ખબર નથી ! શહેર અને જિલ્લાના આ પ્રકારના તબીબી સત્તાવાળાઓ શહેર કે જિલ્લામાં ખ્યાતિકાંડ ચાલે છે કે કેમ, તે અંગે શું જાણતાં હોય ?! આ લઘરવઘર સ્થિતિઓમાં ખાનગી કંપની અને આ યોજના હેઠળની હોસ્પિટલો- ધારે તે પ્રકારના કુંડાળાઓ ચલાવી શકે, એટલું સૌ કોઈ સમજી શકે.
Mysamachar.in દ્વારા મહાનગરપાલિકાના મેડિકલ ઓફિસર ડો. હરેશ ગોરીનો પણ આજે આ બાબતે ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. એમના જણાવ્યા અનુસાર, જામનગર શહેરમાં PMJAY યોજના સાથે સંકળાયેલી હોસ્પિટલોની કોઈ જ વિગતો અથવા આ યોજનાની શહેરમાં શું સ્થિતિ છે, તે અંગેની કોઈ જ ઓનલાઈન વિગતો, આ મેડિકલ ઓફિસર સરકારના પોર્ટલ પર જોઈ શકતા નથી ! કારણ કે, ગાંધીનગર આરોગ્ય સત્તાવાળાઓએ આ પ્રકારની ‘છૂપી’ વ્યવસ્થાઓ ‘ગોઠવી’ છે !! કલ્પના કરો: ગાંધીનગર આરોગ્ય વિભાગના પેટમાં કેટલું પાપ હશે ? તેઓ આ મહાનગરના મેડિકલ ઓફિસરને આ બાબતે શા માટે ‘અજાણ’ રાખી રહ્યા છે ?! ગાંધીનગર આખા રાજ્યમાં ખાનગી રીતે ખ્યાતિકાંડ ઓપરેટ કરે છે ?! ભારત સરકારે ગાંધીનગર આરોગ્ય વિભાગની આ બાબતે આકરી પૂછપરછ કરવી જોઈએ, તો જ આ બધી વિગતો પારદર્શક રીતે પ્રેસ અને લોકો સમક્ષ આવી શકે. હાલની ખાનગી ગોઠવણમાં રાજ્યમાં ખ્યાતિકાંડ ઠેરઠેર ચાલતાં હોવાની આશંકા રહે.
Mysamachar.in પાસે એ વિગતો છે કે, જામનગરની કુલ 16 હોસ્પિટલ PMJAY યોજના ચલાવે છે. જેમાં 2 સરકારી હોસ્પિટલ જીજી અને ડેન્ટલ ઉપરાંત અન્ય 14 ખાનગી તથા ટ્રસ્ટ સંચાલિત જાણીતી હોસ્પિટલો છે. આ 16 હોસ્પિટલોએ પાછલાં 16 મહિનામાં સરકારમાંથી PMJAY યોજનામાંથી રૂ. 56 કરોડની ‘કમાણી’ કરી લીધી છે…