Mysamachar.in-જામનગર:
જામનગરના અગ્રણી લોહાણા પરિવારના વિધવા મહિલાના કરોડોની કિંમતના પ્લોટનું બારોબાર વેચાણ કરી નાખનાર શહેરના જૈન અગ્રણી રમણીક શાહ(આર.કે.) સહિત ત્રણ સામે CID ક્રાઈમમાં ગુન્હો નોંધાયો છે,પોલીસ ચોપડે નોંધાયેલી વિગતો પ્રમાણે જામનગરના જાણીતા લોહાણા પરિવારના સ્વ.કીલુભાઈ વસંતના પત્ની વર્ષાબેને ગત તા.૧૮ના રોજ CID ક્રાઇમમાં જે ફરિયાદ નોંધાવી છે,તે પ્રમાણે તેઓનો દરેડમાં આવેલો કરોડો રૂપિયાની કિંમતી પ્લોટ સાત વર્ષ પહેલા તેમના જેઠના પુત્રએ બોગસ સહી કરી બારોબાર વેંચી નાખ્યાની રાવ સાથે હાઈકોર્ટમાં રીટ કરતા હાઈકોર્ટે આ બાબતનો ગુન્હો નોંધવા CID ક્રાઈમને આદેશ કર્યો હતો.

જેથી CIDએ ફરિયાદીના ભત્રીજા તેમજ પ્લોટના પ્રથમ ખરીદનાર નગરના જાણીતા જૈનઅગ્રણી આર. કે શાહ તેમજ બીજા ખરીદનાર કારખાનેદાર કૃણાલ મહેશભાઈ બુસા સામે ગુન્હો નોંધ્યો છે. ગઈકાલે એક આરોપીની ધરપકડ કરાયા પછી તેને જેલ હવાલે કરાયો છે,જ્યારે જામનગરના જૈનઅગ્રણી રમણીક શાહએ આગોતરા જામીન મેળવવા કરેલી અરજીનો હુકમ બુધવાર પર મુલત્વી રહ્યો છે,આ તમામ ત્રણેય ઇસમોએ ભેગા મળીને વર્ષ ૨૦૧૨ના ફેબ્રુઆરી મહિનામાં વર્ષાબેનની માલિકીનો જીઆઈડીસી ફેઝ-૩માં આવેલા પ્લોટ નં. ૩૬૬૪ના વેચાણ કરાર બોગસ રીતે ઉભા કરી તે મિલકતના કાગળોમાં ખોટી સહીઓ કરી, ખરા તરીકે ઉપયોગ કરી છેતરપિંડી તથા વિશ્વાસઘાત આચર્યો હોવાનું સામે આવે છે.

ફરિયાદી વર્ષાબેનના પતિ વિનોદરાય કલ્યાણજી (કીલુભાઈ) વસંતનું વર્ષ ૨૦૦૯માં અવસાન થયા પછી તેઓ પુત્ર મિતલ, પુત્રવધુ પ્રિયંકા સાથે વસવાટ કરે છે તેઓને સંતાનમાં કોમલબેન તેમજ શીતલબેન નામની બે પુત્રીઓ પણ છે. એક દિવસ તેવો મુંબઈ હતા,ત્યારે તેઓને જામનગરના અગ્રણી આર.કે.શાહનો ફોન આવેલ હતો. જેમાં તેઓએ જણાવ્યા મુજબ તેમોને એક કાગળ મોકલું છું તેમાં તમારી સહી કરી આપજો તેમ કહ્યું હતું,

આથી વર્ષાબેને શેનો કાગળ છે, મારે કઈ બાબતની સહી કરવાની છે તેમ પૂછતા રમણીકભાઈ શાહે GIDC ફેઝ-૩માં તમારા આવેલા પ્લોટની અમે ખરીદી કરી છે, તેનો કાગળ છે, તમે મિતલને મોકલો હું સમજાવી દઈશ તેમ કહેતા વર્ષાબેને પુત્રને મેટાલીક ઈન્ડસ્ટ્રીઝમાં આર.કે.શાહ પાસે મોકલ્યો હતો. જ્યાં આર.કે.શાહે કહ્યું હતું કે મારે હેમલ મહેશભાઈ વસંત સાથે પ્લોટ બાબતનો વહીવટી થયો છે તે બાબતનો કરાર કરવામાં આવ્યો છે તે તમે જોઈ લેજો તેમ કહેતા વર્ષાબેનને પુત્ર મિતલે વાત કરતા વર્ષાબેન ચોંકી ગયા હતા.

તેઓએ આ પ્લોટ બાબતનો કોઈ સોદો કર્યો ન હોય તેમ છતાં તે પ્લોટના વેચાણ કરાર ઉભા થઈ ગયા હોય તેઓએ આગળ તપાસ કરાવી હતી જેમાં કરારના પાના નં. ૩ પર વર્ષાબેન વિનોદભાઈ વસંતનું નામ વેચનાર તરીકે દર્શાવી તેના પર વર્ષાબેનના જેઠના પુત્ર હેમલ મહેશભાઈ વસંતની સહી જોવા મળી હતી. જ્યારે પાછળના ભાગે બે એન્ટ્રીઓ બતાવાઈ હતી.

જેમાં તા. ૬-૩-૨૦૧૨ના દિને રૂ. ૪૦ લાખ રોકડા મળ્યા હોવાનું, તેની નીચે હેમલની સહી હોવાનું અને એન્ટ્રી નં. ૨ માં તા. ૬-૧-૧૩ ના દિને રૂ. ૧૫ લાખ રોકડા મળ્યા હોવાનું લખેલું છે. તેમજ શરત નં.૧ માં અવેજની બાકી રહેતી રકમ રૂ. ૧ કરોડ ૧૩ લાખ ઉપરાંતની રકમ છ મહિનામાં તમો ખરીદનારે ચૂકવી આપવાની છે તેમ લખેલું જોવા મળ્યું છે આથી વર્ષાબેને પોતાના ૩૬૬૪ નંબરના આ પ્લોટનું વેચાણ બોગસ કરાર પર જ થયાનું માન્યું હતું.રાજકોટ ઝોનની CID ક્રાઈમ કચેરીમાં ફરિયાદી વર્ષાબેન વસંતની ફરિયાદ પરથી આઈપીસી ૧૨૦ (બી), ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૭૦, ૪૭૧ હેઠળ હેમલ મહેશભાઈ વસંત, રમણીકલાલ કેશવજી શાહ, કૃણાલ મહેશભાઈ બુસા સામે ગુન્હો નોંધાયો છે.

આ ચકચારી ગુન્હાની શરૂ કરવામાં આવેલી તપાસ દરમ્યાન CID ક્રાઈમની ટુકડીએ કૃણાલ બુસાની અટકાયત કરી પૂછપરછ કર્યા બાદ તેને જેલ હવાલે કર્યો છે. જ્યારે આરોપી તરીકે દર્શાવેલા આર.કે.શાહે CIDની ટુકડી પોતાની ધરપકડ કરશે તેવી ભીતીથી જામનગરની અદાલતમાં આગોતરા જામીન મેળવવા માટે અરજી કરી હતી. જેની સામે ફરિયાદી તરફે વકીલ હેમલ ચોટાઈ અને રાજેશ ગોસાઈ ઉપસ્થિત રહ્યા હતા. અદાલતમાં બંને પક્ષો તરફથી દલીલો પૂર્ણ કરવામાં આવી છે,પરંતુ અદાલતે આર.કે.શાહની અરજીનો હુકમ આવતીકાલ પર મુલત્વી રાખ્યો છે.ત્યારે આ હાઇપ્રોફાઇલ કેસને લઈને જામનગરમાં પણ સારી એવી ચકચાર જાગી છે.
