Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાએ જુદા જુદા કાયદાકીય વિવાદોમાં ઘણું કામ કરવું પડતું હોય છે જેમાં, કોર્પોરેશનના કર્મચારીઓના કોર્પોરેશન વિરુદ્ધના કેસોથી માંડીને કોર્પોરેશન જેમાં પક્ષકાર હોય એવા હજારો કેસ મહાનગરપાલિકાએ લડવા પડતા હોય છે. પરંતુ અફસોસની વાત એ છે કે, કોર્પોરેશનનો ‘આ’ વિભાગ યોગ્ય જવાબદારીઓ અદા કરવામાં ઉણો ઉતરી રહ્યો છે- એમ કોર્પોરેશનનો ઓડિટ રિપોર્ટ ખુદ કહે છે અને રિપોર્ટ એમ પણ ઉમેરે છે કે, આ પ્રકારની સ્થિતિઓને કારણે કોર્પોરેશનના હિતોની યોગ્ય જાળવણી થતી નથી અને કોર્પોરેશનની એટલે કે પ્રજાની તિજોરી પર આર્થિક ભારણ આવી રહ્યું છે. આ આખો વિષય અતિ ગંભીર હોવાથી ઓડિટ રિપોર્ટ આ અંગે સૂચનોના રૂપમાં ઘણી જ ચિંતાઓ વ્યક્ત કરી રહ્યો છે.
મહાનગરપાલિકાનો વર્ષ 2022-23 નો ઓડિટ રિપોર્ટ તાજેતરમાં એટલે કે, 2025માં પ્રકાશિત થયો. જેમાં જણાવાયું છે કે, જે કાનૂની વિવાદોમાં કોર્પોરેશનની તરફેણમાં કે વિરુદ્ધમાં અદાલતી ચુકાદાઓ આવી ગયા હોય, તે વિગતો લેબર શાખાએ સક્ષમ સતાના ધ્યાન પર મૂકવી જોઈએ, અપીલના મામલામાં કોર્પોરેશનના એડવોકેટ્સની સંયુકત નોંધ મુજબ કાર્યવાહીઓ કરવી જોઈએ. આ ઉપરાંત રિપોર્ટ કહે છે: લેબર કોર્ટમાં કોર્પોરેશન વિરુદ્ધ જે કેસો દાખલ થઈ રહ્યા છે તેમાં મોટાભાગના ચુકાદાઓ કોર્પોરેશનની વિરુદ્ધમાં આવે છે.
આ રીતે કોર્પોરેશનના જે કર્મચારીઓ લેબર કોર્ટમાં કોર્પોરેશન વિરુદ્ધ વિજય મેળવે છે, તે પૈકીની 90 ટકા મેટર હાઈકોર્ટમાં મોકલી આપવામાં આવે છે, આ 90 ટકા મેટર પૈકીની 60 ટકા મેટર એવી હોય છે જે હાઈકોર્ટ એડમિટ પણ નથી કરતી, કોર્પોરેશનના કાનૂની વિભાગની વાતને કાન આપ્યા વગર જ અદાલત આ અરજીઓ ફગાવી દે છે. એટલે ખરેખર તો હાઈકોર્ટમાં જતાં અગાઉ સ્થાનિક કક્ષાએ જ યોગ્ય રીતે રજૂઆત થવી જોઈએ, સંબંધિત શાખાએ આ કાર્યવાહીઓ માટે પૂરતું રેકર્ડ કાનૂની વિભાગને આપવું જોઈએ. તો કોર્પોરેશનનું હિત જાળવી શકાય અને ભવિષ્યમાં આવા મામલાઓમાં કોર્પોરેશનની તિજોરીને આર્થિક ભારણથી બચાવી શકાય એટલે કે કોર્પોરેશનનો બિનજરૂરી ખર્ચ બચાવી શકાય- એ મતલબની કોમેન્ટ આ ઓડિટ રિપોર્ટમાં છે.
આ રિપોર્ટમાં વધુમાં કહેવાયું છે: આ બાબતે મહાનગરપાલિકાના વકીલો, સંબંધિત શાખાઓ અને અને લેબર શાખાએ જેતે કેસના સ્ટેજ અંગે ફોલોઅપ લેવું જોઈએ અને તેની સમીક્ષાઓ કરવી જોઈએ. જેથી લાંબા સમયથી ચાલતાં કાનૂની વિવાદોમાં સંબંધિત શાખાની બેદરકારીથી કોર્પોરેશનને કોઈ જવાબદારીઓનો સામનો કરવો ન પડે.
ઓડિટ રિપોર્ટ ઉમેરે છે: જે કેસોમાં મહાનગરપાલિકા વિરુદ્ધ ચુકાદાઓ આવ્યા હોય, તેમાં જે કેસોમાં મહાનગરપાલિકા પાસે યોગ્ય અને પૂરતું રેકર્ડ ન હોવાને કારણે અથવા તો આ સમગ્ર પ્રોસેસમાં મહાનગરપાલિકા વતી જેને અદાલતમાં હાજર રહેવાનું હોય, તેમની ગેરહાજરીને કારણે આ સ્થિતિઓ ઉભી થઈ હોય, તે તમામ કિસ્સાઓની સમીક્ષાઓ થવી જોઈએ અને તે કિસ્સાઓ સાથે સંબંધિત હોય તેમની સામે પગલાંઓ લેવા પણ રિપોર્ટમાં ઓડિટ શાખાએ સૂચન કર્યું છે. અન્ય એક નોંધ: 31-03-2023ની સ્થિતિએ જામનગરની લેબર કોર્ટમાં 33, સિવિલ અને જિલ્લા અદાલતોમાં 323, ગુજરાતની કોર્ટમાં 183, જામનગરની ઔદ્યોગિક અદાલતમાં 18 અને સુપ્રિમ કોર્ટમાં જૂના 2 કેસ પડતર રહ્યા હતાં.