Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
ગત્ રવિવારે મોરબીમાં સર્જાયેલી કરુણાંતિકાને પગલે લોકોમાં ડર પેસવા લાગ્યો છે.પરંતુ એથી ઉલટું, મોરબીની ગોઝારી દુર્ઘટના બાદ સર્વત્ર જાગૃતિ, સલામતી અને સુરક્ષા માટે ઘણાં પગલાંઓ લેવાઈ રહ્યા છે. યાત્રાધામ દ્વારકા સહિતના ધાર્મિક અને સહેલાણી સ્થળોએ દર્શન તથા પ્રવાસ માટે જતાં તમામ લોકોની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જગપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા ખાતે દર્શનાર્થીઓ અને આ સમગ્ર પંથકમાં સહેલાણીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. દીવાળી તહેવારો પૂર્ણ થયાં પછી હજુ પણ હજારો લોકો દ્વારકા પંથકમાં દરરોજ આવી રહ્યા છે, જેને લઈને સ્થાનિક તંત્રો સુસજ્જ છે અને સૌ કોઈ માટે સુરક્ષા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ રાખવામાં આવી છે. દર્શનાર્થીઓ અને સહેલાણીઓ ખૂબ જ સલામત વાતાવરણમાં સરળતાથી પોતાનાં પરિવારજનો સાથે પ્રવાસની મજા માણી શકે તે માટે તમામ પાસાંઓ ધ્યાનમાં રાખી સ્થાનિક તંત્રો વધુ ચોકસાઈ દાખવી રહ્યા છે.
આજે મંગળવારે સવારે Mysamachar.in સાથેની વાતચીતમાં દેવભૂમિ દ્વારકા કલેકટર મુકેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, યાત્રાધામ દ્વારકા ખાતે તહેવારો પછી હજુ પણ સેંકડો પ્રવાસીઓ આવી રહ્યા હોય, દ્વારકા ખાતેનો કેબલબ્રિજ સુદામા સેતુ હાલ પૂરતો પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યો છે. આ બ્રિજની ક્ષમતા 300 પ્રવાસીઓનું વજન સહન કરી શકવાની છે. પરંતુ હાલમાં પ્રવાસીઓની સંખ્યા ખૂબ મોટી છે. અને, વપરાશ પરવાનગી ધરાવતાં આ બ્રિજનું ઇન્સ્પેકશન હાથ ધરવામાં આવશે અને જરૂર જણાયે અત્રે પ્રવાસીઓની સંખ્યા નિયંત્રિત રાખી ફરીથી સુદામા સેતુબ્રિજ પ્રવાસીઓ માટે ખૂલ્લો મૂકવામાં આવશે.
આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતુ કે, ભગવાન દ્વારકાધીશના મંદિરમાં તથા ગોમતીઘાટ સહિતનાં તમામ સ્થળોએ કયૂ ( કતાર) મેનેજમેન્ટ સહિતની અગમચેતીઓ દિવાળી પર્વથી જ અમલમાં છે. ક્યાંય, કોઈ ખોટી ભીડ ન સર્જાય તે અંગે સંબંધિતોને જરુરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ સાથે જ, દ્વારકા એસડીએમ તથા ઓખા પોર્ટ અને ચીફ ઓફિસર સહિતનાં અધિકારીઓની ટૂકડીઓ યાત્રાધામ બેટ દ્વારકા ખાતે સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહી છે. ઓખા તથા બેટ દ્વારકા વચ્ચે દરિયામાં જે બોટ ચલાવવામાં આવે છે તેમાં મહત્તમ ક્ષમતા કરતાં પણ ઓછાં પ્રવાસીઓ બેસે અને સૌની સલામતી જળવાય તે અંગે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હેલ્થ ટીમ, લાઈફ ગાર્ડ, સુરક્ષા કર્મીઓ વગેરેની ટૂકડીઓ કાર્યરત છે. પ્રવાસીઓ અને યાત્રાળુઓ ખૂબ જ સુરક્ષિત રીતે પ્રવાસનો આનંદ માણી રહ્યા છે, એમ તેઓએ ઉમેર્યું હતું.
આ સાથે જ શિવરાજપુર બીચ પર પણ લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા હોય ત્યાં પણ સુરક્ષા માટેનાં લાઈફ જેકેટ અને તરવૈયાઓ સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલાં તમામ ધાર્મિક અને સહેલાણી સ્થળો સુસજ્જ, સુરક્ષિત હોવાનું તેઓએ જણાવ્યું હતુ અને લોકોને સ્વયંશિસ્ત માટે પણ આડકતરી અપીલ કરી હતી. ટૂંકમાં, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દર્શન તથા પ્રવાસ માટે આવી રહેલાં કોઇ પણ યાત્રાળુઓ કે પ્રવાસીઓએ ઉચાટ રાખવાની આવશ્યકતા નથી, મન ભરીને સૌ વેકેશનનો પારિવારિક આનંદ પ્રાપ્ત કરી શકે તે પ્રકારની વ્યવસ્થા તમામ સહેલાણી સ્થળોએ ગોઠવવામાં આવી હોવાનું ચિત્ર જોવા મળી રહ્યું છે.