Mysamachar.in-અમદાવાદ:
કેટલાંક લોકોને કથિત આરોપી તરીકે અને કેટલાંક લોકોને ગુનેગાર તરીકે પોલીસના કબજામાં રાખવામાં આવે છે, આ પ્રકારના લોકો પૈકી ઘણાંના મોત પોલીસ કસ્ટડી દરમિયાન થતાં હોય છે, પછી આ મોત મામલે બબાલો થતી હોય છે, મૃતકના પરિવારજનો સહિતના ટોળાં પોલીસ મથકોને ઘેરી લેતાં હોય છે, પરિવારજનો મૃતદેહ સ્વીકારવા ઈન્કાર કરતાં હોય છે, જવાબદારો વિરુદ્ધ કાર્યવાહીઓની માંગ થતી હોય છે, પગલાંઓ લેવામાં આવશે એવી ખાતરીઓ આપવામાં આવતી હોય છે. પછી, આવા પ્રકરણોની તપાસ પર પડદો પાડી દેવામાં આવતો હોય છે, અને કેટલાંક કેસોમાં એવું પણ બહાર આવતું હોય છે કે, આ મોત માટે પોલીસ જવાબદાર નથી. મોતનું કારણ અન્ય છે. આ પ્રકારના કસ્ટોડિયલ ડેથ અંગે એક રિપોર્ટ જાહેર થયો. રિપોર્ટનું ચિત્ર કહે છે: દેશભરમાં સૌથી વધુ ક્રૂર પોલીસ ગુજરાતમાં. આવા 80 મોતના કેસમાં પોલીસ નિર્દોષ.
સમાજ જીવનમાં પોલીસ દ્વારા સતાનો દુરુપયોગ કરવામાં આવે છે, અતિરેક કરવામાં આવે છે, એ મતલબના કિસ્સાઓ અવારનવાર બહાર આવતાં રહે છે. ભારતમાં સૌથી વધુ કસ્ટોડિયલ ડેથ ગુજરાતમાં નોંધાઈ રહ્યા છે. દેશભરમાં આ પ્રકારના મોત વધી રહ્યા છે. જેમાં ગુજરાત આગળ પડતું છે. સુપ્રિમ કોર્ટના નિવૃત જજ એમ.બી.શાહના અધ્યક્ષપદે કાર્યરત ગુજરાત સ્ટેટ લો કમિશને રિપોર્ટ આપ્યો છે. સરકારને સોંપવામાં આવેલાં આ રિપોર્ટમાં જણાવાયું છે કે, કેટલાંક વર્ષોથી પોલીસ દ્વારા સતાના અનિયંત્રિત ઉપયોગ તથા તાબાના આરોપી ઉપર ક્રૂરતાના ગંભીર કિસ્સાઓ જોતાં રક્ષક જ ભક્ષક હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
આ પ્રકારની ગંભીર ટકોર સાથેના આ રિપોર્ટમાં કહેવાયું છે કે, સુપ્રિમ કોર્ટે વ્યક્તિ દોષિત હોય કે નિર્દોષ, તેના તમામ મુળભૂત અધિકારો જળવાય તે રીતે પોલીસ દ્વારા વર્તણૂંક થવી જોઈએ તેવા અસંખ્ય ચુકાદાઓ આપ્યા છે. તેના અમલ માટે પોલીસ પોતાને મળેલી સતાનો યોગ્ય ઉપયોગ કરે તેના માટે પોલીસને જરૂરી તાલીમ આપો, એવી ભલામણ પણ કરી છે.
જો પોલીસ ખુદ સતાનો અનિયંત્રિત ઉપયોગ કર્યે રાખશે તો કાયદાનું રાજ તૂટી પડે. આવી સ્થિતિને અટકાવવા રિપોર્ટમાં પોલીસ તંત્ર બંધારણીય જવાબદારીઓની મર્યાદાઓમાં રહી ફરજ અદાયગી માટે સંવેદનશીલ બની રહે તે માટે કાયદામાં સુધારો કરવા કહેવાયું છે. ઉલ્લેખનિય છે કે, કાયદા પંચના રિપોર્ટ નંબર 46ની આ તમામ ભલામણો સંબંધે હવે સરકાર કમિટી રચશે. જેના આધારે પ્રવર્તમાન કાયદામાં ફેરફાર આવી શકે છે. પોલીસની કાર્ય પ્રણાલીમાં પણ જરૂરી ફેરફાર આવી શકે છે.
ગુજરાતમાં પાંચ વર્ષ દરમિયાન પોલીસ કસ્ટડી દરમિયાન કુલ 80 મોત થયા છે. જે પૈકી સૌથી વધુ મોત 2021-22 ના વર્ષમાં થયા છે. ઉત્તરપ્રદેશ અને બિહાર જેવા રાજ્યો કરતાં પણ ગુજરાતની પોલીસ વધુ ઘાતકી હોય તેવું ચિત્ર જોવા મળે છે. આ કેસો પૈકી એક પણ કેસમાં પોલીસ અધિકારીઓ કે કર્મચારીઓને દોષિત ઠરાવવામાં આવ્યા નથી. 83 પૈકી 42 કેસમાં જ મેજિસ્ટ્રેટીયલ તપાસ થઈ છે. પરિવારજનો મોત મામલે કોર્ટમાં ગયા હોય તેવા 26 કેસમાં ન્યાયિક તપાસ થઈ છે. જે પૈકી માત્ર 8 જ કેસમાં આરોપનામું દાખલ થયું છે.