Mysamachar.in-જામનગર:
ખાણખનિજ અને વનવિભાગ સહિતના સરકારી વિભાગોએ પોતાના કાર્યક્ષેત્રમાં ચોકન્ના જ રહેવાનું હોય, મોનિટરીંગ અને સર્વેલન્સ સતત કરવું પડે, તો જ સંભવિત ગુનાઓ અને ગેરરીતિઓ અટકાવી શકાય. તેને બદલે તંત્ર સમક્ષ કોઈ ફરિયાદ કે રજૂઆત કરે તેની રાહ જોઈ રહેલાં સરકારી વિભાગો ત્યારે ઉંઘતા ઝડપાઈ જતાં હોય છે, જ્યારે ગાંધીનગરની સ્કવોડ અહીં છેક આવી લોકલ સ્થળે દરોડો પાડે.
જામનગરના ખાણખનિજ વિભાગની ફિલોસોફી આ પ્રકારની છે. આ વિભાગ સમગ્ર જિલ્લા પર ધ્યાન રાખવાને બદલે કોઈ ફરિયાદની રાહ જોતો હોય છે. પોતાની મેળે દરોડા પાડતો નથી, ધોરીમાર્ગ પર ચેકિંગ કરતો નથી. ખનિજચોરોને રંગે હાથ ઝડપી લેતો નથી. છેક ગાંધીનગરની ટીમ અહીં જામનગર દરોડા પાડવા આવે ત્યાં સુધી ‘ અમે ક્યાં પહોંચીએ, અમારી પાસે સ્ટાફ તથા વાહનો નથી ‘ એવા ગાણાં આ વિભાગ ગાતો રહે છે. વર્ષ આખરે પોતાના કામોના ગુણગાન ગાવા માટે મોટી અખબારી યાદી તૈયાર કરતી વખતે, આ વિભાગ ઓછા સ્ટાફની ફરિયાદ કરવાનું જાણીજોઈ ભૂલી જાય છે. આ વિભાગ ગાંધીનગરથી વધુ સ્ટાફ મંજૂર શા માટે નથી કરાવી શકતો ? વર્ષો સુધી ઓછા સ્ટાફની વાતો કરતાં રહી, પોતાની ચામડી બચાવવાની આ વિભાગને આદત પડી ગઈ છે. બીજી તરફ હકીકત એ છે કે, રેતીચોરી સહિતની ખનિજચોરી આ વિભાગની જાણ બહાર હોય, એ વાત માનવાલાયક નથી.

હાલમાં પણ આ વિભાગ સમક્ષ ફરિયાદ આવેલી છે કે, રેતીચોરી માટે કુખ્યાત જોડીયા તાલુકામાં રેતીચોરો બિન્દાસ છે. આ ફરિયાદ ન આવી ત્યાં સુધી આ વિભાગને ખબર ન હતી કે, જોડિયામાં રેતીચોરી થાય છે. નદીઓના પટ્ટમાં રાતદિવસ ભારે વાહનો માત્ર ‘ફરવા’ ન જતાં હોય, તંત્રને આટલું તો સમજાવું જ જોઈએ. પરંતુ તંત્રની સમજણ અનેરી છે. બચાવ વખતે તેઓ ઓછાં સ્ટાફની વાતો કરતા રહે છે અને વર્ષ આખું બધું ખૂલ્લેઆમ ધમધમતું રહે છે. ખાણખનિજ અને વનવિભાગ આવી બાબતોમાં ધ્યાન ક્યારે આપશે ? ધ્યાન આપશે ખરાં ? કે પછી, બધું આમ જ ચાલતું રહેશે ?!
