Mysamachar.in-અમદાવાદ:
દવાઓનું ઉત્પાદન અને વેચાણ કરતી ફાર્મા કંપનીઓ દેશભરમાં સરકારી અને ખાનગી તબીબોને વ્યૂહરચનાના ભાગરૂપે જુદી જુદી રીતરસમો અપનાવી ‘સાચવી’ લેતી હોવાની બાબતો આમ જૂઓ તો કોઈથી અજાણી નથી,હવે સરકારે આ માટે કોડ એટલે કે કેટલાંક નિયમો બહાર પાડ્યા છે.
ભારત સરકારે દવાઓની કંપનીઓ દ્વારા થતાં માર્કેટિંગ માટેના કેટલાંક આયોજનો પર કાતર મૂકી છે. આ યુનિફોર્મ કોડ અનુસાર, હવેથી કંપનીઓ ડોકટરોને ભારતમાં તથા વિદેશોમાં પ્રવાસ માટેના અને હોટેલોમાં રહેવા માટેના આયોજનોનો ખર્ચ આપી શકશે નહીં. કંપનીઓ દ્વારા આયોજિત અથવા અન્ય કોઈ તબીબી વર્કશોપ કે કોન્ફરન્સમાં હાજર રહેનાર કોઈ પણ તબીબનો તે માટેનો ખર્ચ દવાની કંપનીઓ ઉઠાવી શકશે નહીં. સિવાય કે, તે તબીબ આ કોન્ફરન્સ અથવા વર્કશોપમાં વક્તા હોય.
ધ યુનિફોર્મ કોડ ફોર ફાર્માસ્યૂટિકલ માર્કેટિંગ પ્રેક્ટિસ-2024 માં જણાવાયું છે કે, દવાઓની કંપનીઓ હેલ્થકેર ક્ષેત્રની તબીબ સહિતની કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ પ્રકારની ગિફ્ટ એટલે કે ભેટ આપી શકશે નહીં. આ પ્રકારની કોઈ ગતિવિધિઓ કોઈ દવા કંપનીએ કરી હોય તો, તે કંપની વિરુદ્ધ ફરિયાદ માટેની માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે. આ તમામ બાબતોના સખત અમલ માટે દેશભરના તમામ ફાર્માસ્યૂટિકલ એસોસિએશનને આ કોડની નકલો મોકલી આપવામાં આવી છે અને અમલની સૂચનાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત આ તમામ એસોસિએશનને કહેવામાં આવ્યું છે કે, આ યુનિફોર્મ કોડના અમલ માટે, ફરિયાદ લેવા માટે અને કોડના ભંગ બદલ કસૂરવાર કંપની કે તબીબ વિરુદ્ધ પગલાંઓ લેવા, તમામ સંગઠનોએ એક એથિકસ કમિટીની રચના કરવાની રહેશે. જે આ બધી બાબતોની દેખરેખ રાખશે.
જો આ કોડનો કયાંય પણ ભંગ થયો હોય તો સંબંધિત દવા કંપનીએ તે તબીબ અથવા તબીબો પાસેથી નાણાંની રિકવરી કરવાની રહેશે. એથિકસ કમિટી આ અંગે દવા કંપનીને કહી શકશે અને જો આમ છતાં કોઈ ઉકેલ ન આવે તો, કમિટી આ અંગે સરકારને જાણ કરી શકશે. કમિટી આ પ્રકારની દવા કંપનીને એસોસિએશનમાંથી સસ્પેન્ડ કરી શકશે, હટાવી શકશે.
મહત્વનો મુદ્દો એ છે કે, આ પ્રકારના કોઈ પણ કસૂર માટે જેતે દવા કંપનીના CEOને પણ આ નિયમભંગ બદલ કસૂરવાર ઠેરવી શકાશે. પોતાની કંપનીમાં આ યુનિફોર્મ કોડનું સંપૂર્ણ પાલન કરવામાં આવે છે, એ બાબતે કંપનીઓના CEO એ, દર વર્ષે જાન્યુઆરીના અંત પહેલાં સેલ્ફ ડેકલેરેશન કરવાનું રહેશે. કંપનીની વેબસાઈટ પર તે અપલોડ કરવાનું રહેશે. અને જો, કોઈ CEO આ પ્રકારના ફાર્માસ્યૂટિકલ એસોસિએશનમાં સભ્ય ન હોય તો તેણે, પોતાનું આ સેલ્ફ ડેકલેરેશન સરકારના આ કોડ માટેના પોર્ટલ પર અપલોડ કરવાનું રહેશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, બજારમાં પોતાના ઉત્પાદનો મોટો હિસ્સો પ્રાપ્ત કરી શકે તે માટે દવા કંપનીઓ અનેક પ્રકારની અનિયમિતતાઓ અને ગેરરીતિઓ આચરતી હોય છે, વિવિધ રૂપમાં તબીબોને લાંચ પણ આપતી હોય છે. આ ઉપરાંત બિનજરૂરી અને બિનઅસરકારક દવાઓ પણ દર્દીઓના શરીર સુધી પહોંચાડવા દવા કંપનીઓ ઘણાં પ્રકારના હથકંડા અજમાવી તબીબોને ‘સાચવી’ લેતાં હોય છે, આ બધી જ બાબતો લોકો પ્રત્યેનો દ્રોહ છે અને ધંધાકીય ગેરરીતિઓ છે. જે બંધ થાય તેવું કરોડો નાગરિકો દાયકાઓથી ઈચ્છે છે. આ નવા નિયમોનો અમલ કડક રીતે કરાવી શકાય, તો સારૂં.