Mysamachar.in-જામનગર:
ગઈકાલનો ગુરૂવારનો દિવસ જામનગર વીજતંત્ર માટે ખૂબ જ ઉચાટ અને ડરના માહોલનો દિવસ બની રહ્યો કેમ કે, એક વિપક્ષી નગરસેવિકાએ વીજતંત્રની લાલબંગલા ખાતે આવેલી વડી કચેરીમાં મોટો હંગામો મચાવી દીધો હતો અને આ આખી ઘટનાને લાઈવ પણ કરી હતી. જો કે આખરે વીજતંત્ર દ્વારા આ મહિલા કોર્પોરેટર વિરુદ્ધ આકરી અને ઘણી બધી કલમો અંતર્ગત પોલીસ ફરિયાદ દાખલ કરાવતાં સ્થાનિક રાજકારણમાં તેના ઘેરા પડઘા પડ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ કોર્પોરેટર દ્વારા આ અગાઉ પણ વિવિધ કચેરીઓમાં આંદોલન અને ધરણાં સહિતની પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય, આ કોર્પોરેટર ઘણાં સમયથી ચર્ચાઓમાં છે.
પોતાના રહેણાંક મકાને સોલાર પેનલ અને સ્માર્ટ મીટર લગાવ્યા બાદ વપરાશની સરખામણીએ વધુ વીજબિલ આવી રહ્યું છે અને વીજતંત્ર મોટી વીજચોરીઓ થવા દે છે અને નાના વીજગ્રાહકોને વધુ વીજબિલ આપે છે-એવી તકરાર લઈને આ નગરસેવિકા કાલે ગુરૂવારે વીજતંત્રની કચેરીએ ધસી ગયા હતાં અને મોટો હોબાળો મચાવી આ સમગ્ર બબાલ ફેસબુક માધ્યમથી લાઈવ કરી હતી જેને પરિણામે સમગ્ર શહેરમાં કાલે આ બનાવ ચર્ચાઓમાં હોટ ટોપિક રહ્યો.
આ બનાવ બાદ વીજતંત્રના અધિકારીઓ, કર્મચારીઓ અને ઈજનેરો સૌ પોલીસમથકે દોડી ગયા હતાં અને કોર્પોરેટર વિરુદ્ધ આકરી કલમો સાથેની ફરિયાદ દાખલ કરાવી, તેમાં કિશન નામનો કોઈ વ્યકિત આ કામમાં કોર્પોરેટર સાથે હોવાનો પણ ઉલ્લેખ થતાં, કોર્પોરેટર અને આ શખ્સ વિરુદ્ધ આગામી સમયમાં આકરી પોલીસ કાર્યવાહીઓની સંભાવનાઓ છે. ઉપરાંત આ ફરિયાદમાં એટ્રોસિટીની કલમો પણ દાખલ થયેલી હોય, સમગ્ર ફરિયાદની તપાસ ડીવાયએસપીના માર્ગદર્શન મુજબ થનાર હોય, આ સમગ્ર પ્રકરણ આગામી દિવસોમાં પણ ચર્ચાસ્પદ રહેશે એવું દેખાઈ રહ્યું છે.
જામનગર વીજતંત્રના નાયબ ઈજનેર અજય કરશનભાઈ પરમાર (40, રહેવાસી નાઘેડીગામ રોડ, જામનગર)એ દાખલ કરાવેલી આ ફરિયાદમાં જણાવ્યું છે કે, કોર્પોરેટર રચના નંદાણીયાએ ગુરૂવારે મીડિયા ગ્રૂપમાં સંદેશો મૂકી, પોતે વીજતંત્રની કચેરીમાં ડંડો લઈ સાહેબોને મારવા જતાં હોય એવું જાહેર કરી, જેમને સાથે આવવું હોય તે આવે એવી જાણ કરી, પોતાના મોબાઈલ મારફતે ઓનલાઈન થઈ, મીડિયાકર્મીઓ તથા પોતાની સાથેના કિશન નામના શખ્સને સાથે લઈ, પોતાના હાથમાં લાકડી લઈ, ફરિયાદી અધિકારી અનુસૂચિત જાતિના હોવાનું જાણતા હોવા છતાં, કચેરીની અંદર ફરિયાદીની ચેમ્બરમાં પ્રવેશ કરી, ફરિયાદી તથા ફરિયાદી સાથે કામ કરતાં કર્મચારીઓ સાથે ગેરવર્તન કરી, ફરિયાદી સામે લાકડી ઉગામી, માર મારવાની ધમકી આપી ફરિયાદીની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી, ફરિયાદી અધિકારીનો મોબાઈલ ઝૂંટવી લઈ લૂંટ ચલાવી અને ફરિયાદીના મોબાઈલનો ઘા કરી મોબાઈલમાં નુકસાન પહોંચાડયું અને પોલીસમાં કોઈ ફરિયાદ કરશો તો હું તમને જોઈ લઈશ એવી ગર્ભિત ધમકી આપી હતી અને આ દરમિયાન ફેસબુક માધ્યમથી લાઈવ થઈ લોકોને દારૂ વેચવા, ડ્રગ્સ વેચવા તથા બે નંબરના કામ કરવા ગેરમાર્ગે દોરી તથા વીજતંત્ર દ્વારા સ્માર્ટ વીજમીટર લગાડી વધારે બિલો આપવામાં આવે છે એમ કહી ફરિયાદીના સરકારી વિભાગ વિરુદ્ધ ઉશ્કેરણી કરી, પોતે આપઘાત કરી લેશે એવી ધમકી આપી તથા ફરિયાદી અને ફરિયાદીની સાથે કામ કરતાં કર્મચારીઓને કાયદેસરની ફરજો બજાવતા અટકાવી ગુનાહિત બળનો ઉપયોગ કરી, ગુનો આચર્યો છે એમ ફરિયાદમાં જણાવાયું છે.
પોલીસે BNSની કલમ- 192, 353(1), 224, 226, 132, 351(2), 324(2), 221, 309(4) તથા એટ્રોસિટી એક્ટની કલમ- 3(1)(R), 3(2)(5), 3(2) (5a)મુજબ આ ફરિયાદ દાખલ કરી છે.