Mysamachar.in-જામનગરઃ
સામાન્ય રીતે સરકારી કર્મચારીઓ નિયમોમાં બાંધછોડ કરતાં નથી અને નિયમોનો કક્કો ઘૂંટી નાગરિકોને ધક્કા ખવડાવવામાં જરાય પાછી પાની કરતાં નથી. જો કે નિયમો માત્ર નાગરિકો માટે જ હોય એવું PGVCLના કર્મચારીઓની કામગીરી પરથી પ્રતિત થઇ રહ્યું છે. જામનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ઘોરનિંદ્રામાંથી અચાનક જાગેલા PGVCLના તંત્ર દ્વારા ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી. જો કે આ કામગીરી કર્મચારીઓ ધરાર કરતાં હોય તેમ મીટર ચેકિંગ કર્યા વગર જ એસી કારમાં બેસી કામગીરી કરતાં હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જાહેરમાં દંડના નામે લૂંટ ચલાવવામાં આવતી હોય એવા દ્રશ્યોથી અનેક સવાલો ઉઠ્યા છે.
છેલ્લા બે દિવસથી વીજચોરીને અટકાવવા માટે PGVCL કર્મચારીઓ દ્વારા ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી. જેમાં 45 ટીમો દ્વારા સીટી-2માં ખંભાળિયા ગેઇટ સહિત નગર સીમમાં કાર્યવાહી કરવામાં આવી હતી. 690 વીજ કનેક્શનો ચેક કરતા 119માં ગેરરીતિ સામે આવતા રૂપિયા 18.62 લાખના દંડ ફટકારવામાં આવ્યા હતાં. જો કે લોકો આશ્ચર્યમાં મૂકાઇ ગયા, કારણ કે મીટર ચેકિંગ કર્યા વગર જ કારમાં બેસીને અધિકારીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી. સામાન્ય રીતે એવો નિયમ છે કે વીજચોરીની ચેકિંગ દરમિયાન મીટર ચેકિંગ કરવાનું હોય છે, જો તેમાં ગેરરીતિ સામે આવે તો દંડ કરવામાં આવતો હોય છે. પરંતુ PGVCLના અધિકારીઓ આરામથી કારમાં બેસીને કામગીરી ટૂંકમાં પતાવી રહ્યાં હતા. હજુ પણ શહેરમાં મીટર ચેકિંગ ડ્રાઇવ યોજાઇ રહી છે. જો તમને પણ PGVCLના કામઢા અધિકારીઓ કારમાં બેઠા બેઠા કામગીરી કરતા નજરે પડે તો તમે અધિકારીને પૂછજો કે શું પગમાં મહેંદી મૂકી છે સાહેબ !