Mysamachar.in-જામનગર:
સરકારી વીજતંત્ર પ્રત્યેનો એવરેજ લોકોનો અભિપ્રાય ક્યારેય સારો જોવા મળતો નથી કેમ કે, PGVCL સહિતની સરકારી વીજકંપનીઓ એક તરફ સેવાઓ આપવામાં ધાંધિયા કરતી હોય છે અને બીજી તરફ વીજગ્રાહકોને ભાવવધારા સહિતના ડામ આપવા મુદ્દે પણ નામચીન છે.
ચોમાસુ હોય કે વર્ષ દરમિયાન ગમે ત્યારે કમોસમી વરસાદ વરસતો હોય, જ્યારે પણ બેચાર છાંટા વરસે ત્યારે વીજતંત્રના ફીડરના રામ રમી જતાં હોય છે. ફીડર પલાંઠી વાળી બેસી જતાં હોય છે. સંખ્યાબંધ વિસ્તારોમાં કલાકો સુધી વીજપૂરવઠો ગાયબ રહે છે, હજારો અને લાખો લોકો હાલાકીઓ ભોગવતા હોય છે.
આ ઉપરાંત દરરોજની સરેરાશ જોઈએ તો પણ, વીજતંત્ર દ્વારા ગ્રાહકને આપવામાં આવતાં વીજપૂરવઠાના વોલ્ટેજમાં પણ નોંધપાત્ર વધઘટ થતી હોય છે. સંખ્યાબંધ કિસ્સાઓ એવા પણ બનતાં હોય છે જેમાં વીજતંત્રના પાપે સેંકડો હજારો લોકોના વીજ ઉપકરણો બળી જતાં હોય છે. આ ઉપરાંત ફ્યુઅલ ચાર્જના નામે ગ્રાહકોને મોંઘા ભાવની વીજળી પધરાવવા મામલે પણ વીજતંત્ર જાણીતું છે. આમ, વીજતંત્રના સેવાઓ સંબંધિત ધાંધિયાથી સૌ પરિચિત છે.
આ ઉપરાંત વીજતંત્ર અન્ય એક કારીગરી એ કરે છે કે, કોઈ પણ કારણોસર કોઈ ગ્રાહક વીજબિલના નાણાં નાનામોટા વિલંબથી વીજતંત્રને ચૂકવે છે ત્યારે વીજતંત્ર તે ગ્રાહક પાસેથી ડિલે પેમેન્ટ ચાર્જ બિલની રકમ અને તારીખ મુજબ વસૂલ કરે છે. આ વસૂલાતમાં બિલની રકમ ઉપરાંત વીજતંત્ર ગ્રાહક પાસેથી 15 ટકા જેવું આકરૂં વ્યાજ પણ વસૂલે છે. વ્યાજનો આ દર ઘણી બેન્કો સહિતની સેવાઓ કરતાં ઉંચો છે. આ રીતે વીજતંત્ર વર્ષે દહાડે ગ્રાહકો પાસેથી ડિલે પેમેન્ટ ચાર્જના રૂપમાં કરોડો રૂપિયાની વસૂલાત કરે છે.
બધી જ સરકારી વીજકંપનીઓ પૈકી ગ્રાહકો સાથેનો PGVCL નો પનારો સૌથી મોટો હોવાને કારણે ખાસ કરીને સૌરાષ્ટ્રમાંથી PGVCL ડિલે પેમેન્ટ ચાર્જ તરીકે કરોડો રૂપિયાની વસૂલાત કરે છે. સામાન્ય રીતે ગ્રાહકને વીજબિલની રકમ ચૂકવવા માટે દસેક દિવસનો સમય આપવામાં આવતો હોય છે, ત્યારબાદ આ વિલંબિત ચૂકવણી ચાર્જ દરેક ગ્રાહકે આપવો પડે છે. આ ચાર્જનો વીજબિલમાં કયાંય ઉલ્લેખ કરવામાં આવતો નથી.
PGVCL વર્ષે દહાડે ડિલે પેમેન્ટ ચાર્જના રૂપમાં ગ્રાહકો પાસેથી આશરે રૂ. 120 કરોડ જેવી રકમ પ્રાપ્ત કરે છે. ઘણાં ગ્રાહકોનો મત એવો પણ છે કે, સરકારના ખુદના ધારાધોરણ મુજબ પણ વીજતંત્ર કસ્ટમર સર્વિસ પૂરી પાડવામાં ઉણું ઉતરે છે ત્યારે, વીજતંત્રએ વિલંબિત ચૂકવણી ચાર્જ આટલાં ઉંચા વ્યાજ સાથે ન વસૂલવા જોઈએ. આ ડિલે પેમેન્ટ ચાર્જ ગુજરાત ઈલેક્ટ્રીસિટી રેગ્યુલેટરી કમિશનની મંજૂરી મુજબ વસૂલવામાં આવી રહ્યો છે.
(પ્રતીકાત્મક તસ્વીર સૌજન્ય ગુગલ)