Mysamachar.in:જામનગર
જામનગરમાં કાલે સોમવારે પહેલી મે એ રાજ્યનાં સ્થાપના દિનની રાજયકક્ષાની ગુજરાત ગૌરવ દિનની ઉજવણીમાં ઉપસ્થિત રહેનાર રાજ્યનાં પોલીસવડા વિકાસ સહાયે આજે મંગળવારે સવારે જામનગરમાં પત્રકાર પરિષદને સંબોધી હતી. જો કે, તેઓએ પોલીસ સંબંધિત કોઈ મહત્વની કે ધ્યાનાકર્ષક વાત કરી ન હતી પરંતુ ખુદનાં હાથે ખુદની પીઠ થાબડવાની પોલીસની પોલિસીનો પરિચય આપ્યો !
DGP વિકાસ સહાયે જામનગરમાં આ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, રાજકોટ રેન્જમાં કુલ ગુનાઓ પૈકી વીસેક ટકા ગુનાઓ મિલકત સંબંધી જોવા મળે છે જેથી આ પ્રકારના ગુનાઓના પાછલાં પાંચ વર્ષનાં આરોપીઓ પર પોલીસની વ્યક્તિગત વોચ રાખવામાં આવી રહી છે.(સર જી, પોલીસ પાસે એટલો સ્ટાફ છે ?!) તેઓએ કહ્યું : શરીરસંબંધી ગુનાઓ અટકાવવા ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં તથા અંતરિયાળ વિસ્તારોમાં ખાસ સ્ટ્રેટેજી અમલમાં મૂકવામાં આવી છે.(જો કે આ પ્રકારના ગુનાઓ સમયાંતરે બનતાં જ રહે છે, તપાસ અને ચાર્જશીટ સહિતની કામગીરી પણ બહુ નોંધપાત્ર ન હોવાનું સૌ જાણે છે !)
તેઓએ કહ્યું : રાજકોટ રેન્જનાં જામનગર સહિતના તમામ જિલ્લાઓના પોલીસવડાઓ સાથે આજે ક્રાઈમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. પોલીસની કામગીરીની પ્રશંસા સાથે તેઓએ કહ્યું : ગુનાઓ અટકાવવા સંબંધે પોલીસ વધુ ધ્યાન આપશે. અને બનેલા ગુનાઓ સંબંધે તપાસ સહિતની કામગીરી વધુ અસરકારક બનાવશે. જામનગરનાં જયેશ પટેલ કેસમાં હાલ કશું થઈ શકે એમ નથી, એમ કહેતાં તેઓએ ઉમેર્યું કે, આરોપી પક્ષ હાલ અપીલમાં છે. સાઈબર ક્રાઇમ સંબંધે તેઓએ (સરકારી) ઝુંબેશનો ઉલ્લેખ કરવા સાથે કોઈ નવી વાત કરી ન હતી પરંતુ એમ કહ્યું કે, વરિષ્ઠ નાગરિકો – મહિલાઓ- યુવાનો અને વેપારીઓએ આ અંગે જાગૃતિ દાખવવી જોઈએ. ધાર્મિક દબાણો અંગેનાં એક પ્રશ્નનાં જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે, તેઓની પાસે જામનગર જિલ્લા અંગે આ સંદર્ભે કોઈ માહિતી નથી !
-Mysamachar.in દ્વારા પૂછવામાં આવ્યું કે….
આ પ્રેસ કોન્ફરન્સમાં DGPને પોલીસ મહેકમ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ જણાવ્યું કે, ગત્ વર્ષે પણ એસપી દ્વારા દરખાસ્ત આપવામાં આવી હતી અને આ વર્ષે પણ દરખાસ્ત મોકલવામાં આવી છે. જે દરખાસ્તો ડીજી કચેરી દ્વારા સરકારમાં સબમિટ કરવામાં આવી છે. વાસ્તવિકતા એ છે કે, જામનગર સહિત રાજ્યભરમાં પોલીસ વિભાગમાં હજારો જગ્યાઓ ખાલી છે. અને આ મુદ્દે ખુદ હાઈકોર્ટ પણ સરકારને કસરત કરાવી રહી છે, જે મુદ્દો ડીજીપી પણ જાણતાં જ હોય !
કેવાં પ્રકારના ગુનાઓ પર પોલીસનું વધુ ફોક્સ છે ? એ પ્રશ્નનાં જવાબમાં તેઓએ જણાવ્યું કે, બધાં જ પ્રકારનાં ગુનાઓ પર પોલીસનું ફોકસ છે ! તમામ ગુનામાં યોગ્ય તપાસ, ચાર્જશીટ થાય એ પોલીસની પ્રાથમિકતા છે. અને, ગંભીર પ્રકારના તથા ઓર્ગેનાઈઝડ ગુનાઓ વારંવાર ન બને તે માટે ખાસ લક્ષ આપવામાં આવી રહ્યું છે કેમ કે, આ પ્રકારના ગુનાઓની સમાજ પર વ્યાપક અસરો પડતી હોય છે. અટકાયતી પગલાંઓ પર પણ તેમણે ભાર મૂક્યો હતો. તેઓએ કહ્યું, લોકોનો પોલીસ પર વિશ્વાસ અને ભરોસો વધે, લોકોની પોલીસ પાસેની અપેક્ષાઓ સંતોષાય તે માટે પોલીસ વધુ અસરકારક કામગીરી કરી રહી છે. આ ઉપરાંત તેઓએ જાહેર CCTV ફૂટેજનું વધુ બારીકાઈથી નિરીક્ષણ અને વિશ્લેષણ કરવામાં આવશે એવી પત્રકારોને ખાતરી આપી હતી. આ ઉપરાંત ડ્રગ્સ સહિતના મુદ્દાઓ પર તેઓએ (ગોળગોળ) ઘણી વાતો કરી.






