Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા એક માછીમાર શખ્સ દ્વારા જુદા જુદા દુકાનદારો, વેપારીઓને ફોન કરી અને પોતાને પોલીસની ઓળખ આપીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી, નવ જેટલા આસામીઓ પાસેથી નાણાં પડાવ્યા હતા આ પ્રકરણમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે આરોપી એવા શબીર હારુન ભગાડની અટકાયત કરી લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે તેની સામે આઠ વર્ષ પૂર્વે પોલીસે બળાત્કારનો ગુનો નોંધ્યો હતો.
આ ચકચારી પ્રકરણ અંગે પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દ્વારકામાં તીનબત્તી ચોક વિસ્તારમાં રહેતા નિર્મલકુમાર બેહેરા નામના એક યુવાનને ગત તારીખ 20 માર્ચ 2025 ના રોજ તેમના ફોન પર એસ.ઓ.જી. પોલીસની ઓળખ આપીને તેમના દ્વારા ગેરકાયદેસર રીતે કફ સીરપનું વેચાણ કર્યું છે તેવું જણાવીને સામેના છેડેથી બોલતા શખ્સએ રૂપિયા એક લાખની માંગણી કરી, ત્યાર બાદ રૂ. 6,000 માં પતાવટ કરી, આ રકમ ઓનલાઈન મેળવી હતી. આ પ્રકારે કરવામાં આવેલી છેતરપિંડી અંગે તેમના દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

જેને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા આ પ્રકારની થતી છેતરપિંડી તેમજ ઠગાઈ સંદર્ભે ચોક્કસ પ્રકારની વ્યુહ રચના ગોઠવી અને આવા બનાવ અટકાવવા તેમજ આરોપીઓને ઝડપી લેવા માટેની આપવામાં આવેલી સૂચનાને અનુલક્ષીને ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ મથકના પી.આઈ. વી.કે. કોઠીયા તેમજ તેમની ટીમ દ્વારા ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન રિસોર્સિસની મદદથી આ પ્રકરણના મુખ્ય આરોપીને મુંબઈથી દબોચી લીધો હતો.આ ચીટિંગમાં ખંભાળિયા તાલુકાના સલાયા ગામે ખ્વાજા નગર ખાતે રહેતો શબીરહુસેન હારુન ભગાડ નામના 39 વર્ષના શખ્સની અટકાયત કરી અને સમગ્ર ભેદની સિલસિલા બંધ વિગતો ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી.
આ શખ્સની પૂછતાછમાં પોતે માત્ર ત્રણ ધોરણ સુધી અભ્યાસ કરેલા આ આરોપી દ્વારા છેલ્લા એક માસથી ગૂગલ સર્ચમાંથી વિવિધ મેડિકલ ધારકો તેમજ દુકાનદારોના નંબરો મેળવી લેવામાં આવતા હતા. ત્યાર બાદ તે મેડિકલધારકો અને દુકાનદારોને મોબાઈલ ફોનથી સંપર્ક કરી અને પોતાની ઓળખ એસ.ઓ.જી. પોલીસ તરીકે આપતો હતો. ત્યાર બાદ જે-તે દુકાનદારએ તેના મેડિકલ સ્ટોરમાંથી ગેરકાયદેસર દવા (કફ સીરપ) આપી હોવાનું જણાવી, દુકાનદારોએ ઇન્કમટેક્સ ભરેલ નથી તેમજ જીએસટી બિલો નથી તેવું જણાવી દુકાનદાર સામે ફરિયાદ કરવાનું કહેતો હતો. જો ફરિયાદથી બચવું હોય અને સમાધાન કરવું હોય તો ચોક્કસ રકમની માંગણી કરી તે પોતે જે વિસ્તારમાં હોય તે વિસ્તારના દુકાનવાળા અથવા મની ટ્રાન્સફર વાળાના ક્યુ.આર. કોડ મેળવી લઈને તેમાં પૈસા ટ્રાન્સફર કરાવી લેતો હતો.
આ રીતે આયોજનબધ્ધ રીતે આરોપી શબીરહુસેન હારુન ભગાડએ અલગ અલગ જેટલા મેડિકલધારકો તેમજ દુકાનદારોને ફોન કરી અને પૈસા માંગ્યાની કબૂલાત આપી હતી. આ શખ્સની અટકાયતથી મીઠાપુર, કલ્યાણપુર, ખંભાળિયા, જામનગર, સલાયા, સાયબર ક્રાઇમ સહિતના જુદા જુદા નવ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલા આરોપીની પૂછપરછ દરમિયાન તેની સામે વર્ષ 2017 માં સલાયા પોલીસ મથકમાં દુષ્કર્મના પ્રકરણમાં ગુનો નોંધાયો હતો. ત્યાર બાદ તે જામીનમુક્ત થયો હતો. આ શખ્સ પાસેથી પોલીસે રૂપિયા 10,200 ની રોકડ રકમ તેમજ ત્રણ સીમકાર્ડ પણ કબજે લીધા છે.
