Mysamachar.in:જામનગર:
જામનગર ક્રાઈમ બ્રાંચે ચાર શખ્સોને પકડી પાડ્યા છે. આ શખ્સો અમરેલી જિલ્લાના છે. ચારેય છાપેલાં કાટલા એટલે કે રીઢા ગુનેગાર છે. આ શખ્સો લૂંટારાઓ છે. આ શખ્સો સમાણા રોડ પરથી ઝડપાઈ ગયા હોવાનું જાહેર થયું છે. ઘણાં લોકો કોઈ કામસર અથવા ઘર તરફ પરત જવા ધોરીમાર્ગો પર કોઈ વાહનની રાહ જોઈ ઉભા હોય છે અને જે પહેલું વાહન મળે તેમાં બેસી જતાં હોય છે. લોકોની આ મજબૂરીનો ગેરફાયદો ઉઠાવવા ચાર શખ્સો, આ પ્રકારના મુસાફરને પોતાની કારમાં બેસાડી કોઈ એકાંત જગ્યામાં ધાકધમકીથી લૂંટી લેતાં હતાં. આ પ્રકારની એક ફરિયાદ તાજેતરમાં જામનગરમાં પણ દાખલ થયેલી. ત્યારબાદ આ ચાર શખ્સો ઝડપાઈ ગયા.
ક્રાઈમ બ્રાંચે જાહેર કર્યું છે કે, પોલીસ ઈન્સ્પેક્ટર વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ, બે પીએસઆઈ મોરી અને કાંટેલીયાની ટીમે આ દેવીપૂજક શખ્સોને કાર સહિતના કુલ રૂ. 9,78,800ના મુદ્દામાલ સાથે ઝડપી લીધાં છે. જામનગરમાં આ પ્રકારના બે ગુના નોંધાયેલા. જેમાં આ શખ્સોની સંડોવણી ખૂલી. આ ઉપરાંત આ શખ્સોએ અગાઉ જામનગર સહિતના જિલ્લાઓમાં આ પ્રકારના ગુનાઓ આચરેલા હતાં.
પોલીસે કિઆ કાર નંબર GJ 11 CH 3874 ઉપરાંત રૂ. 8,800 ની રોકડ અને સોનાનો એક ચેન કબજે લીધો છે. આ શખ્સો પેસેન્જરની કારમાં બેસાડ્યા બાદ પેસેન્જર પાસેથી રોકડ તથા દાગીના લૂંટી લેતાં. આ શખ્સોએ અન્ય સાત ગુનાઓની કબૂલાત પણ આપી છે.
