Mysamachar.in-અમદાવાદ:
છેલ્લા કેટલાક સમયથી જ્યાં જુઓ ત્યાં કોરોના અને લોકડાઉન સિવાયની કોઈ ચર્ચાઓ જોવા મળતી નથી, અને કોરોના વાયરસને લઈને કેટલાય લોકોમાં તો રીતસરનો જાણે એક હાઉ ઉભો થયો હતો, તો બીજી તરફ કોરોના વાઇરસ વકરવાને પગલે લોકડાઉન અમલી બનતાં નોકરિયાતો, વ્યવસાયીઓને ઘરમાં પૂરાઈ રહેવાનો વારો આવ્યો હતો, લોકડાઉનમાં ‘કોરોના’નો ‘હાઉ’ દૂર કરવા મોટાભાગના લોકોએ ‘કોમેડી’ સિરિયલ જોવાનું વધુ પસંદ કર્યું હતું. આમ, હળવી, મનોરંજન પીરસતી, લોકપ્રિય કોમેડી સિરિયલો ટીવી પર નિહાળીને તેમજ મોબાઇલમાં યૂ-ટયૂબ પર આવી સિરિયલો જોનારાની સંખ્યા વધુ નોંધાઈ હતી અને કોમેડી સિરિયલો જોઈને લોકો કોરોના ‘હાઉ’ દૂર ભગાડીને ટેન્શન-ફ્રી રહેતા હોવાનું એક અભ્યાસમાં જોવા મળ્યું છે.
લોકડાઉનમાં એપ્રિલ અને મે ટેલિવિઝન, સોશિયલ મીડિયા, ઓનલાઇન ગેમ વગેરે જેવા મીડિયા કન્ઝપ્શન પાછળ સમય વિતાવનારાઓની સંખ્યા 7.5 ટકાથી વધીને 31.5 ટકા થઈ છે. કોરોનાકાળમાં ટીવી, સોશિયલ મીડિયા વગેરેના સત્વરે મોટાભાગના લોકોએ કંટાળો પણ દૂર કર્યો હતો.તો એક સર્વે પ્રમાણે ટેલિવિઝન, ઓનલાઇન કન્ટેન્ટ પાછળ સમય વ્યતીત કરનારાઓની સંખ્યામાં 25 ટકાનો વધારો નોંધાયો છે, MICAના પ્રો.સંતોષ પાત્રા દ્વારા હાથ ધરાયેલા સર્વે-સ્ટડીમાં મોટાભાગના લોકોએ જણાવ્યું હતું કે, ટીવી જોવા, સિરિયલ, કોમેડી, નાટક અને થ્રીલર પ્રોગ્રામ જોવા સહિત પસંદગીના શો તેમજ ઓનલાઇન કન્ટેન્ટ પાછળ સરેરાશ ચાર કલાક વિતાવતા હતા. એવું પણ સામે આવ્યું કે 75 ટકા લોકો કોમેડી સિરિયલ, શો નિહાળવાનું વધુ પસંદ કરતા અને ત્યારપછી નાટકો અને થ્રીલર શો જુએ છે. લોકડાઉનમાં 57 ટકા લોકો સોશિયલ મીડિયાને સમાચાર પ્રાઇમરી સોર્સ મારફતે મેળવતા અને ત્યારપછી ન્યૂઝ APPS ડાઉનલોડ કરીને જાણકારી મેળવી હોવાનું પણ સર્વેમાં તારણો સામે આવ્યા છે.