Mysamachar.in-જામનગર:
કોઈ પણ ટેકનોલોજી જ્યારે સ્માર્ટ બને ત્યારે, સાથે સાથે આ ટેકનોલોજીના વપરાશકારોએ પણ સ્માર્ટ બનવું પડે- તો જ ટેકનોલોજીના લાભો ઝડપથી સૌને પ્રાપ્ત થઈ શકે. નવી ટેકનોલોજીનો મોટેભાગે વિરોધ થતો હોય છે પરંતુ આખરે તો, અનુભવે એ જ ટેકનોલોજી માણસજાત માટે ઉપયોગી સાબિત થતી હોય છે. જો આપણે ટેકનોલોજી અપનાવી ન હોત તો, આજે પણ આદિમાનવ તરીકે જીવતાં હોત. સ્માર્ટ વીજમીટર ટેકનોલોજી પણ આ પ્રકારની એક ઉપયોગી ટેકનોલોજી છે.
લોકોએ પ્રથમ તો એ સમજવું જોઈએ કે, સ્માર્ટ વીજમીટર લોકોનું દુશ્મન નથી. આપણે જે વીજવપરાશ કરી રહ્યા છીએ, તેની વાજબી કિંમત સરકારને ચૂકવવી કરદાતા નાગરિક તરીકે આપણી ફરજ છે. અને સેવાશુલ્કની વસૂલાત કરવી સરકારનો અધિકાર પણ છે. આપણે હોટેલોના બિલો અને વોટર રિસોર્ટના આનંદ કિંમતો ચૂકવીને જ મેળવીએ છીએ, તો પછી વીજળી ખરીદવામાં આપણને તકલીફ શું હોય શકે અને વીજસેવા સુધારવાની દિશામાં તંત્ર તથા સરકાર આગળ વધી રહ્યા હોય ત્યારે ખોટો ગોકીરો શા માટે કરવો જોઈએ. હા, એટલું ખરૂં કે- વીજતંત્રએ સ્માર્ટ વીજમીટર સંબંધે લોકો સમક્ષ વિવેક સાથે પેશ આવવું જોઈએ. લોકોને સમજ આપવી જોઈએ. એક પણ પક્ષ તાણીને બોલે તો, તંત્ર તથા ગ્રાહક વચ્ચે બિનજરૂરી ઘર્ષણ નીપજે.

સ્માર્ટ વીજમીટરનો પ્રારંભ જનસેવકોને ત્યાંથી કરવામાં આવી રહ્યો છે. તંત્ર લોકોને વિશ્વાસ અપાવવા ઈચ્છે છે કે, આ લોકહિતની વાત છે. સ્માર્ટ વીજમીટરથી ગ્રાહક પોતાના વપરાશનો પ્રકાર જાણી શકશે. જરૂરી ફેરફાર કરી શકશે. સાથે સાથે સોલારની સસ્તી વીજળી ક્યારે વાપરવી, મોંઘી વીજળી ઓછી કેમ વાપરવી, વગેરે બાબતો અંગે ગ્રાહક ખુદ નિર્ણય કરી શકશે.
વાત રહી લોડવધારા અંગેની તો, સૌએ એ યાદ રાખવું જોઈએ કે, આપણો વીજલોડ તંત્રના ધ્યાન પર આવે એથી તંત્રની સેવાઓ સુધરશે. વીજળીનું વિતરણ વધુ વૈજ્ઞાનિક અને તાર્કિક રીતે થવાથી આપણને મળતી વીજળીની ગુણવત્તા સુધરશે, વીજપૂરવઠો બંધ થવાના સંજોગો ઘટશે. આપણાં વીજ ઉપકરણો બળતાં અટકશે. અને, સરકાર પોસ્ટ પેઈડ સ્માર્ટ વીજમીટરને પ્રિ પેઈડ બનાવવાની દિશામાં આગળ વધી રહી નથી. એ પણ આપણે સમજવું જોઈએ.
બીજો મુદ્દો એ પણ છે કે, ઘરમાં 3-3/4-4 સભ્યોના પ્રિપેઈડ મોબાઈલથી આપણને વાંધો નથી. આપણને વીજમીટરના આંચકા શા માટે લાગે છે ?! અને, સામા પક્ષે તંત્રએ પણ સ્માર્ટ વીજમીટર લગાવતી વખતે કયાંય પણ ગ્રાહક સાથેનો વિવેક ચૂકવો જોઈએ નહીં. અને, સમજ આપવી જોઈએ. જો આમ થઈ શકશે તો, આપણે નવી ટેકનોલોજીને રાજીરાજી અપનાવીશું અને તેના લાભો મેળવી શકીશું.વીજચોરોની બાદબાકી સૌના હિતમાં છે. ઔદ્યોગિક વસાહતોમાં, ખેતીમાં, કોમર્શિયલ વિસ્તારોમાં બધે જ સ્માર્ટ વીજમીટર લાગવા જોઈએ, માત્ર રહેણાંક વિસ્તારોને જ ફરજ પાડવી- જરાય વાજબી વાત નથી, એ પણ સરકાર યાદ રાખે.
