Mysamachar.in:ગુજરાત:
રાજકીય પક્ષોની તિજોરીઓ પર લોકોએ નજર ન રાખવી જોઈએ. રાજકીય પક્ષોને મળતાં દાનની વિગતો અને સ્ત્રોત જાણવાનો લોકોને અધિકાર નથી. આ મતલબનું નિવેદન કેન્દ્ર સરકાર વતી દેશના એટર્ની જનરલે સુપ્રિમ કોર્ટમાં રજૂ કર્યું. અને, આ નિવેદનને કારણે દેશમાં ભડકો થયો. આ મામલે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે. ચૂંટણીઓમાં બેફામ કાળું ધન ઉપયોગમાં લેવાય છે. અને આ બ્લેક મનીનો દુરુપયોગ કરી સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરવામાં આવે છે. તથા ઉમેદવારો અને પક્ષો દ્વારા આ રીતે બિઝનેસમાં જે રોકાણ કરવામાં આવે છે તેનાથી અનેકગણો રુપિયો બે ચૂંટણીઓ વચ્ચેના પાંચ વર્ષ દરમિયાન નફાના રુપમાં ઉમેદવારો તથા પક્ષો દ્વારા કરદાતા નાગરિકોની તિજોરીમાંથી ‘વસૂલી’ કરવામાં આવે છે. આ પ્રકારની માન્યતા સરેરાશ મતદાર વરસોથી ધરાવે છે.
સરેરાશ મતદાર સમજે છે કે, કાળા નાણાંના માધ્યમથી લડાતી ચૂંટણીઓ, ચૂંટણીઓ બાદ કાળાં નાણાંના સર્જનમાં મહત્વની ભૂમિકાઓ ધરાવે છે. જેને કારણે કાયમ માટે મોંઘવારી, ફૂગાવો અને ભ્રષ્ટાચાર સર્વત્ર જોવા મળી રહ્યા છે. પરંતુ મતદાર સંગઠિત ન હોવાથી લાચાર છે. પક્ષો પર મતદારોનું કોઈ જ નિયંત્રણ નથી. સરવાળે, આ જ મતદારો યાતનાઓ વેઠી રહ્યા છે !
હવે આ મામલો સુપ્રિમ કોર્ટમાં છે. આજે આ મુદ્દાઓ સંબંધિત સુનાવણી છે. નાગરિકોને એટલે કે મતદારોને બંધારણની કલમ 19(1)(a) હેઠળ રાજકીય ભંડોળના સ્ત્રોત ની વિગતો જાણવાનો અધિકાર નથી એવી રજૂઆત સુપ્રિમ કોર્ટમાં કેન્દ્ર સરકાર વતી એટર્ની જનરલ વેંકટરમણીએ કરી છે. તેઓએ કહ્યું: ચૂંટણી બોન્ડ સ્કીમ પક્ષોને મળતાં રાજકીય ભંડોળમાં કાળું ધન અટકાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
એટર્ની જનરલે સુપ્રિમ કોર્ટમાં જણાવ્યું કે, લોકોને વાજબી નિયંત્રણ સિવાય તમામ બાબતો અંગે જાણકારીઓ મેળવવાનો હક્ક હોય શકે નહીં. ચૂંટણી બોન્ડ સ્કીમ ભંડોળ આપનારને ગુપ્તતાની ખાતરી આપે છે. તેને લીધે રાજકારણમાં કાળું ધન અટકાવવાની પ્રક્રિયાને મદદ મળે છે. આવું ભંડોળ કર જવાબદારીની જોગવાઇનું પાલન કર્યા પછી અપાય છે. એટલે ચૂંટણી બોન્ડ સ્કીમ વર્તમાન અધિકારનું ઉલ્લંઘન કરતી નથી. એટર્ની જનરલે જણાવ્યું હતું કે, ન્યાયિક સમીક્ષાની સતાનો અર્થ એવો નથી કે, સારાં અને જુદાં સૂચનો માટે સરકારની પોલિસીની ચકાસણીઓ કરવામાં આવે. બંધારણીય અદાલત સરકારના પગલાંની ત્યારે જ સમીક્ષા કરે જ્યારે વર્તમાન નિયમોનું ઉલ્લંઘન થતું હોય.
તેઓએ સુપ્રિમ કોર્ટમાં એમ પણ કહ્યું કે, રાજકીય પક્ષોને મળતાં યોગદાનનું લોકશાહીની રીતે મહત્ત્વ છે. જેની રાજકીય ચર્ચાઓ થઈ શકે છે. જો કે તેનો અર્થ એવો નથી કે, કોર્ટ બંધારણના ઉલ્લંઘનની સ્પષ્ટતાઓના અભાવે આવી બાબતો પર ચુકાદો આપે. અત્રે ઉલ્લેખનિય છે કે, સુપ્રિમ કોર્ટની પાંચ જજની બેન્ચ આજે તારીખ 31 ઓક્ટોબરથી ચૂંટણી બોન્ડ સ્કીમની વિવિધ અરજીઓ પર સુનાવણીઓ શરૂ કરી રહી છે. આ અરજીઓમાં ચૂંટણી બોન્ડ સ્કીમની કાયદેસરતાને પડકાર આપવામાં આવ્યો છે. સરકારે 2018ની 2 જાન્યુઆરીથી રાજકીય પક્ષોને મળતાં રોકડ ડોનેશનના વિકલ્પ રુપે આ ચૂંટણી બોન્ડ સ્કીમ લાગુ કરી છે. પાંચ વર્ષથી આ ચર્ચાઓ વધુ સંવેદનશીલ બની રહી છે.






