Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કોરોનાની લહેર આવી ત્યારે પણ કહ્યું હતું કે અમે માસ્કનો દંડ વસુલ કરવા કરતા લોકોને માસ્ક આપીશું, સુરતના એક કાર્યક્રમમાં પણ તેવો પોલીસને સબોધન કરતા કહ્યું હતું કે ટ્રાફિક નિયમ તોડનાર કોઈ રીઢો ગુન્હેગાર નથી માટે પોલીસે તેની સાથે યોગ્ય વ્યવહાર કરવો જોઈએ…આમ હર્ષ સંઘવી પોલીસ પ્રજાનો ખરા અર્થમાં મિત્ર બને તે માટે અવારનવાર આવા સૂચનો કરતા રહે છે જે સરાહનીય છે,અને ગૃહમંત્રીની લોકો પ્રત્યેની સંવેદના પ્રગટ કરનારા છે,
ત્યારે વલસાડમાં રાત્રિ કર્ફ્યૂના ભંગ બદલ પોલીસ દ્વારા વરરાજાની કરવામાં આવી હતી. વરવધુ સહિત તેના પરિવારજનોને અડધી રાત્રે પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા ગુનો માત્ર એટલો જ હતો કે તેઓએ રાત્રિ કર્ફ્યૂના નિયમોનું પાલન ન કર્યુ. આ અંગે પરિવારે પોતાની ભૂલ સ્વીકારી તેમજ વિનંતી કરવા છતાં પણ પોલીસે રીઢા ગુનેગારની જેમ વર્તન કર્યુ હતું. આ મામલે વલસાડ અને વાપી પોલીસની ચોમેર ટીકા થઇ રહી છે ત્યારે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ આ મામલે ઉચ્ચ અધિકારીઓને તપાસ સોંપીને પોલીસના આ પ્રકારના વર્તનને કડક શબ્દોમાં વખોડી કાઢ્યું છે.
વલસાડ સંદર્ભની વાત કરતા કરતા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે ફરી રાજ્યની પોલીસને ટકોર કરતા કહ્યું કે “પોલીસે તમામ લોકો સાથે રીઢા ગુનેગારની જેમ વર્તન ન કરવુ જોઇએ. દરેક પગલા તેની સામાજિક પરિસ્થિતિ અને ગુનો જોઇને નિર્ણય લેવો જોઇએ. ખાસ કરીને લગ્ન, હેલ્મેટ, માસ્ક ન પહેરવા જેવી ભૂલોને કારણે રીઢા ગુનેગારની જેમ લોકો સાથે વર્તન ન કરવુ જોઇએ. આ પ્રકારની ભૂલમાં પોલીસનું આ પ્રકારનું વર્તન સહેજ પણ ચલાવી નહી લેવાય.” આ ઘટનાની તપાસ ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવી છે.
પોલીસે હવે સરકાર એટલે કે ગૃહમંત્રીની વારંવારની ટકોરને ખુબ ગંભીરતાથી લેવાની જરૂર છે, અને પોલીસ ખરા અર્થમાં પ્રજાનો મિત્ર બને અને રીઢા ગુન્હેગાર સાથે ભલે તેને સુધારવા પોલીસની ધાક બેસાડે પરંતુ સામાન્ય નાગરિકોને આ રીતે કનડગત કરવી પોલીસ માટે યોગ્ય નથી ત્યારે આશા રાખીએ કે ગુજરાત પોલીસ હવે હર્ષ સંઘવીના બોલને ઝીલી અને પ્રજા સાથે આ રીતનું વર્તન નહિ કરે.