Mysamachar.in-સુરતઃ
બેંકકર્મીઓની નજર સામે જ બેંકમાં છેતરપીંડિ કરનારી ગડ્ડી ગેંગના ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ ગડ્ડી ગેંગ બેંકમાં પૈસા ભરવા આવતા લોકોને નિશાન બનાવી તેમની પાસેથી રૂપિયાનું બંડલ લઇ તેમાં કાગળની નોટ મૂકી દેવાના કેસમાં કુખ્યાત છે. ઝડપાયેલા આરોપીઓ પાસેથી ચલણી નોટોના આકારના કોરા કાગળ, કાર અને મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબ્જો કર્યો છે. આરોપીઓની પૂછરપરછમાં તેમણે આવી રીતે 40થી વધુ ઠગાઇ કર્યાની કબૂલાત કરી છે. પાંડેસરા પોલીસને બાતમી મળી હતી કે છેલ્લા કેટલાક સમયથી બેંકમાં રૂપિયા ભરવા જતાં ગ્રાહકોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે, બાદમાં પોલીસે વોચ ગોઠવી ગઠિયાઓને ઝડપી લીધા હતા.
ગડ્ડી ગેંગ પહેલા બેન્કમાં રૂપિયા ભરવા જતા ગ્રાહકને બેંકની બહાર વાતોમાં ભોળવી લેતા, ત્યારબાદ છૂટા રૂપિયાના બહાને અથવા બેંકમાં પૈસા ભરવામાં મદદ કરવાના બહાને ગેરમાર્ગે દોરતા હતા. બાદમાં ગ્રાહક પાસેથી નોટનું બંડલ લઇને ચલણી નોટોની જગ્યાએ કાગળોની થપ્પી પકડાવી દેતા. પોલીસે આ ગેંગના ચાર સભ્યો દીપક પાંડે, કમલેશ ઉર્ફે રાજ શાહ, સત્યનારાયણ તિવારી, ઉમાશંકર ઉર્ફે મનોજ બિંદ અને એક કિશોરની ધરપકડ કરી છે. પૂછપરછ કરતા આ ઈસમોએ આ પ્રકારના 40 ગુના કર્યાની કબૂલાત કરી હતી. આરોપી ચપ્પુ બતાવીને લૂંટ કરવાની પણ ટેવ ધરાવે છે. આ ઉપરાંત આરોપીઓએ વાપી, ઉમરગામ, સેલવાસ, દમણ, મુંબઈ, નાસિક અને દિલ્હીમાં પણ આવી રીતે નોટોના બદલે કાગળની થપ્પી પધરાવીને લોકો સાથે ઠગાઈ કર્યાની કબૂલાત આપી છે. પોલીસ તપાસમાં ગડ્ડી ગેંગે કરેલી ઠગાઇનો આંકડો વધે તેવી સંભાવના છે.