Mysamachar.in-અમદાવાદઃ
જામનગર સહિત રાજ્યમાં ટ્રાફિક નિયમોને લઇને ચૂસ્ત અમલવારી કરવામાં આવી રહી છે. આ દરમિયાન અમદાવાદમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં લોકો ટ્રાફિક પોલીસની કામગીરીથી ખુશ થઇ રહ્યાં છે. અમદાવાદમાં સિંધુ ભવન ત્રણ રસ્તા પર બુધવારે ખાસ ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ આ દરમિયાન ફૉર્ડ મુસ્ટાંગ કાર (જેની કિંમત અંદાજે 80 લાખથી વધુ છે) ત્યાંથી પસાર થઇ, પોલીસે તુરંત આ કારને અટકાવી અને ચાલક પાસેથી જરૂરી કાગળો માગ્યા, જો કે એક તો નંબર પ્લેટ ન હતી અને બીજું કારના જરૂરી ડોક્યુમેન્ટ્સ પણ ન હતા, આથી ટ્રાફિક પોલીસે સ્થળ પર જ કાર ડિટેઇન કરી ચાલકના હાથમાં મેમો પકડાવી દીધો. ટ્રાફિક પોલીસે કાર ચાલક વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટની કલમ 51, 196, 177 અને 207 પ્રમાણે દંડ ફટકાર્યો. આ અંગે અમદાવાદ પોલીસે ટ્વીટર પર તસવીરો પોસ્ટ કરી આ અંગે માહિતી આપી હતી. આ ટ્વીટ ટૂંક સમયમાં જ વાયરલ બન્યું અને લોકો ટ્રાફિક પોલીસની કાર્યવાહીના ભરપૂર વખાણ કરવા લાગ્યા. સામાન્ય રીતે લોકોમાં એવી માન્યતા છે કે લક્ઝરી કાર અને પૈસાદાર લોકો પૈસાની મદદથી વગનો પાવર દેખાડી નિયમોમાં છૂટછાટ મેળવી લેતા હોય છે, પરંતુ અમદાવાદ ટ્રાફિક પોલીસે આ માન્યતાને ખોટી ઠેરવી કાયદો બધા માટે સમાન હોવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.