Mysamachar.in-જામનગર:
સરકારે ઓછાં ખર્ચથી અને પ્રદૂષણને નિયંત્રણમાં રાખીને લાખ્ખો મેગાવોટ વીજ ઉત્પાદન માટે પવન ઉર્જા અને સૌર ઉર્જાના ઉત્પાદન માટે નવા દ્વારો ખોલ્યા છે, જેમાં લાભોની સાથે-સાથે ગેરલાભો પણ અંકે કરવામાં આવી રહ્યા છે. અને, લગભગ મોટાભાગના પ્રોજેક્ટમાં શરતભંગના મામલાઓ તો જાણે કે રિવાજ બની ગયા છે! જામનગર સહિત સમગ્ર હાલારમાં પવનચકકી બિઝનેસ વર્ષોથી તેજીનો અનુભવ કરી રહ્યો છે કેમ કે દરિયાકિનારાને કારણે ફૂંકાતા પવનો આ બિઝનેસ માટે ગોલ્ડન પૂરવઠો છે. જેને કારણે સમગ્ર હાલારના ગામડે ગામડે પવનચકકી નિર્માણ ધમધમી રહ્યું છે.
આ બિઝનેસમાં સરકારની પોલિસી મુજબ સ્થાનિક તંત્રોએ કંપનીઓને સરકારી ખરાબાઓની જમીનો ચોક્કસ શરતો સાથે આપવાની થતી હોય છે, જેમાં ગ્રામ પંચાયત તથા તલાટીઓની ભૂમિકાઓ પણ મહત્વની હોય છે. પરંતુ ઘણાં બધાં કેસોમાં એવો દેકારો ઉઠતો હોય છે કે, કંપનીઓ શરતોનો ઉલાળિયો કરતી હોય છે. ભાગ્ય જ કોઈ કેસમાં વિધિવત ફરિયાદ દાખલ થતી હોય છે. કંપનીઓ પાસે શરતોનું પાલન કરાવવાની જવાબદારીઓ સ્થાનિક તંત્રોની હોય છે પરંતુ જાણીતા અને દેખીતા કારણોસર તંત્રો શરતોનું દરેક કેસમાં પાલન થાય છેકે કેમ ? તે ચકાસવા આકસ્મિક ચકાસણીઓ ટાળતાં હોવાનું દેખાઈ રહ્યું છે.
બીજી તરફ એમ પણ કહેવાય છે કે, સમગ્ર રાજયમાં પવનચકકી બિઝનેસને સ્થાનિક કક્ષાએ પોતાના પોલિટિકલ સપોર્ટ પણ હોય છે, જેઓની મીઠી નજર કંપનીઓને મનમાની આચરવાની તકોનું સર્જન કરી આપતી હોય છે. અને આ પ્રકારના વાતાવરણમાં “સ્થાનિક તંત્રો પણ રોટલાની ટપટપ પર ધ્યાન આપવાને બદલે મમમમનો વચલો માર્ગ અપનાવતા હોય છે.” જેને કારણે કંપનીઓ બાહુબલિઓ માફક વર્તન કરતી રહે છે! ગ્રામજનોની કંપનીઓ વિરુદ્ધની રજૂઆતોને કોઈ દાદ આપતું નથી !
પવનચકકી કંપનીઓ શરતભંગને જાણે કે પોતાનો અબાધિત અધિકાર સમજતી હોય છે. કંપનીઓને ખ્યાલ હોય છે કે, આ ક્ષેત્રમાં બિઝનેસનું ટર્નઓવર એટલું મોટું હોય છે કે, લાગતાં વળગતાંઓને સાચવી લેવા બહુ મોટી બાબત નથી હોતી. અને બિઝનેસનું આ રાક્ષસી કદ કંપનીઓને બધી જ રીતે કદાવર બનાવે છે.
Mysamachar.in પાસે ચાલુ નાણાંકીય વર્ષનો એક કંપનીનો એક વર્ક ઓર્ડર હાથવગો છે. જેમાં ઉલ્લેખ છે કે, ગ્રામ્ય કક્ષાએ એટલે કે ગ્રામ પંચાયત લેવલે ઠરાવ વગેરે કામો સંબંધે રૂપિયા 1,40,000 નો આંકડો દર્શાવાયેલો છે. આ NOC ઉપરાંત તલાટી કક્ષાએ NOC માટેના કામ અંગે વર્ક ઓર્ડરમાં રૂપિયા 25,000 નો આંકડો લખેલો છે. આ આંકડાઓની સરકારમાં રસીદ બને છે કે કેમ ? આ આંકડાઓ સરકારની કે પંચાયતની આવક છે કે કેમ.? વગેરે બાબતોની સ્પષ્ટતાઓ આ વર્ક ઓર્ડરમાં હોતી નથી. વર્ક ઓર્ડરની તમામ નાણાંકીય બાબતો અંગેની સ્પષ્ટતાઓ લોકોની જાણમાં મૂકવામાં આવે તો લોકોના દિમાગમાં આકાર લેતી શંકાઓનું નિવારણ થઈ શકે.
શરતભંગના કિસ્સાઓને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં કંપનીઓ તરફથી સરકારી અને ખાનગી જમીનોમાં દબાણ સહિતની બાબતો જોવા મળતી હોય છે જે અંગે ખરેખર તો તંત્રો અને આગેવાનોએ ચુસ્તી દેખાડવી જોઈએ તેને બદલે સુસ્તીની સ્થિતિ જોવા મળતી હોય, કંપનીઓની મનમાનીનો એકસરે વિકરાળ જણાઈ રહ્યો છે.