Mysamachar.in-જામનગર:
જામનગર શહેર છેલ્લા કેટલાંક વર્ષોથી મહાનગર બનવા તરફ દોડી રહ્યું છે અને શહેરની વસતિ તથા વાહનોની સંખ્યા સતત વધી રહ્યા હોય, ખુદ સરકાર જામનગર શહેરની પાર્કિંગ પોલિસી બાબતે આગળ વધ્યા બાદ આ મામલે સંપૂર્ણ નિષ્ક્રિયતા જોવા મળી રહી છે. જામનગર મહાનગરપાલિકાના ખુદ પદાધિકારીઓ પણ આ બાબતે અજાણ હોવાની સ્થિતિઓ છે ત્યારે સ્વાભાવિક પ્રશ્ન એ પણ થઈ શકે કે, આ પાર્કિંગ પોલિસીનું ભવિષ્ય શું ?!
આજથી 3 વર્ષ અગાઉ રાજ્ય સરકારના ગેઝેટમાં જામનગર શહેરની પાર્કિંગ પોલિસી અંગે ઘણી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. દાખલા તરીકે આ ગેઝેટમાં લખાયું છે કે, જૂનું જામનગર ગીચ છે. વાહનો અને વસતિ વધી રહ્યા છે. રસ્તાઓ પૂરતા પ્રમાણમાં પહોળા નથી. રસ્તાઓ પર દબાણો છે…વગેરે વગેરે. સાથે સાથે આ ગેઝેટમાં એક ‘ડાહી’ વાત એ પણ કરવામાં આવી છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિ અનુસાર શહેરોમાં સુચારૂ આયોજન માટે પાર્કિંગ પોલિસી આવશ્યક છે.
અહીં પ્રશ્ન એ પણ થાય કે, રાજ્ય સરકારની 3 વર્ષ અગાઉની આ વાતમાં જામનગર મહાનગરપાલિકાએ એકાદ બે ડગલા આગળ વધી કે કેમ, એ પ્રકારની કોઈ પૂછપરછ ગાંધીનગરથી થતી નથી અને જામનગર લેવલે તો જાણે કે કોઈને પાર્કિંગ પોલિસીના અમલમાં રસ જ ન હોય એવી સ્થિતિઓ જોવા મળી રહી છે !
આ બાબતે ગત્ શનિવારે Mysamachar.in દ્વારા શહેરના પ્રથમ નાગરિક- મેયર વિનોદ ખીમસૂર્યાનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. પ્રથમ તો એમણે પોતે હાલ આઉટ ઓફ સિટી છે એમ કહી આ પ્રશ્નનો ઉત્તર ટાળવા પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ પછી આ બાબતે વધુ ફોકસ રીતે પ્રશ્ન પૂછવામાં આવતાં તેઓ બોલી ગયા હતાં કે, જામનગરની પાર્કિંગ પોલિસીના અમલ અંગે હાલ તેઓ સંપૂર્ણ અજાણ છે ! પાર્કિંગ પોલિસી બાબતે મેયર સાથે કોઈએ પણ, કશી પણ વાતચીત કરી નથી !
એ જ રીતે, Mysamachar.in દ્વારા પાર્કિંગ પોલિસી બાબતે ગત સોમવારે સ્ટેન્ડિંગ ચેરમેન નિલેષ કગથરા સાથે પણ ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી. ચેરમેન પણ આ પોલિસી બાબતે અપડેટેડ ન હોવાનું બહાર આવ્યું છે ! એમણે ખુદે સ્પષ્ટતા કરી કે, પાર્કિંગ પોલિસીનો એમણે અભ્યાસ કર્યો નથી !
જામનગર મહાનગરપાલિકાના બે મુખ્ય પદાધિકારીઓ ખુદ શહેરની પાર્કિંગ પોલિસી અંગે આજે પણ જો ‘અજાણ’ હોય તો, 3 વર્ષ અગાઉ રાજ્ય સરકારે આ બાબતે જામનગર અંગે સરકારી ગેઝેટમાં જાહેર કરેલી બાબતોનો મતલબ શું ?! પોથીમાંના રીંગણા જેવો ઘાટ છે. શહેરમાં પાર્કિંગ મુદ્દો વર્ષોથી સળગી રહ્યો છે અને શાસકપક્ષ વતી શહેરના કોર્પોરેશનનું સંચાલન કરતાં મુખ્ય સૂત્રધારો જ જો આ બાબતે ‘અજાણ’ હોય તો પછી, શહેરમાં પાર્કિંગ પોલિસીનો અમલ ક્યારે શરૂ કરવામાં આવશે, એ પ્રશ્નનો પણ કોઈ જ અર્થ નથી. આ શહેરને વિકસિત ભારત @2047 સુધીમાં પાર્કિંગ પોલિસી મળી જશે ? એવો પ્રશ્ન પણ જાણકારોમાં પૂછાઈ રહ્યો છે !