Mysamachar.in:ગાંધીનગર
ગુજરાત હોય કે અન્ય કોઈ પણ રાજય, સરકારો ઘણાં રિપોર્ટ તૈયાર કરતી હોય છે. આ મહત્વનાં રિપોર્ટસમાં નિષ્ણાંતો સરકારોને ભલામણો કરતાં હોય છે કે, ફલાણી સમસ્યાને ટાળવા સરકારે આ ધ્યાનમાં રાખવું જોઈએ. આટલાં સુધારાઓ કરવા જોઈએ. આટલાં ફેરફારો કરવા જોઈએ. આ પ્રકારના નવા કાયદાઓ બનાવવા જોઈએ. અથવા, આ કાયદાઓનો કડકાઇથી અમલ કરાવવો જોઈએ તો, ફલાણી સમસ્યાને નિવારી શકાય. પરંતુ અફસોસની વાત એ હોય છે કે, સરકારો પોતાના જ વિભાગ સંબંધિત, પોતે જ તૈયાર કરાવેલાં રિપોર્ટ તથા તેની ભલામણોને ભૂલી જતી હોય છે ! અને, ભલામણોના આ રિપોર્ટ સચિવાલયમાં લાકડાઓના ઘોડામાં કે કબાટમાં કે પછી કોઈ સ્ટોર રૂમમાં ખૂણામાં ઘા ખાતાં હોય છે ! અને, સરકારો હાથીની માફક મદમસ્ત ચાલથી ચાલતી રહેતી હોય છે. પેપરલીક સંદર્ભે પણ આવો એક રિપોર્ટ જેતે સમયે બનેલો ! આ રિપોર્ટ અત્યારે ક્યાં છે ?! આ રહ્યો, એ રિપોર્ટ.
ગુજરાત સરકારનાં કાયદા વિભાગે ગત્ આઠ ઓક્ટોબરે આ રિપોર્ટ સરકારને આપ્યો હતો. આ રિપોર્ટમાં જણાવાયું છે કે, અમો પેપરલીક સંબંધે સરકારની ટીકા કરવા મજબૂર છીએ. આ રિપોર્ટમાં સરકારની ટીકા છે ! હાલ એવું જાણવા મળે છે કે, સરકારે 29 જાન્યુઆરીનાં પેપરલીક પ્રકરણ પછી, આ રિપોર્ટ પરની ધૂળ ખાનગીમાં કોઈને ખબર ન પડે તે રીતે ખંખેરી છે. આ રિપોર્ટમાં સ્પષ્ટ નોંધ છે કે, શક્તિશાળી લોકો પેપરલીક જેવાં કામોમાં સંકળાયેલા હોય છે. અને, આવા વગદાર લોકો પર નકેલ કસવા નવા કાયદાની આવશ્યકતા પણ છે. આ રિપોર્ટમાં સરકારની ટીકા પણ છે. આ રિપોર્ટમાં સ્પષ્ટ નોંધ એ પણ છે કે, પેપરલીક પ્રકરણોમાં વગદાર લોકો વિરૂદ્ધ કોઈ જ કાર્યવાહી થતી નથી ! આ રિપોર્ટ હવે સરકારનાં સામાન્ય વહીવટ વિભાગને સરકારે સોંપ્યો છે એમ જાણવા મળે છે. હવે આ રિપોર્ટની ભલામણો પર ધ્યાન આપવા સરકાર કાંઈક કરશે, એવું સમજાઈ રહ્યું છે.
આ રિપોર્ટમાં જે નવા કાયદાની ભલામણ છે એ પ્રકારનો કાયદો હાલ હરિયાણા રાજ્યમાં અમલમાં છે જ. ત્યાં બે વર્ષથી આ કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં એ ભલામણ પણ છે કે, ગુજરાતમાં જે સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજયુકેશન એકટ છે તેમાં સુધારાની જરૂર છે. આ રિપોર્ટમાં સ્પષ્ટ નોંધ છે કે, પેપરલીક ઘટનાઓ રોકવામાં સરકાર નિષ્ફળ રહી છે. એક શક્યતા એવી પણ છે કે, શક્તિશાળી લોકોની સંભવિત સંડોવણીને કારણે પેપરલીક એક મોટો ભ્રષ્ટાચાર પણ હોય શકે છે. કમનસીબે, દરેક પેપરલીક વખતે મોટાં મગરમચ્છ તપાસનાં દાયરાની બહાર રહેવામાં સફળ રહે છે ! (એમાં પણ ભ્રષ્ટાચાર ?!) રિપોર્ટમાં એક ચિંતા એ પણ વ્યક્ત થઈ છે કે, વારંવાર બનતી પેપરલીકની ઘટનાઓને કારણે રાજ્યનાં બેરોજગાર યુવાઓ હતાશામાં સરી પડે છે.