Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પેપરલીક કાંડના મામલાએ સારી એવી ચકચાર ચોતરફ જગાવી છે ગત 12 ડિસેમ્બરના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી પરીક્ષાનું પેપર ફૂટી જતા હોબાળો મચી જવા પામ્યો હતો ત્યાર બાદ ગૃહ રાજ્યમંત્રીએ પણ પેપરલીક થયું હોવાનો સ્વીકાર કર્યો હતો. આ મામલે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, 14 આરોપીની ધરપકડ થઈ ગઈ છે. તેમજ હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવે છે. આ પરીક્ષા માર્ચમાં ફરીથી લેવાશે.
હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, ગૌણ સેવા પસંદગી મંડળ સાથે ચર્ચા કર્યા બાદ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી માર્ચ મહિનામાં ફરીવાર હેડક્લાર્કની પરીક્ષા લેવાશે. નવી પદ્ધતિથી પરીક્ષા લઈ શકાય તે માટે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરાઈ છે. 70 પરીક્ષાર્થીઓએ પેપર લીધા હતાં તેમને પણ છોડાશે નહીં. કોરોનાને કારણે સરકારી નોકરીની ભરતીમાં પણ વિલંબ થયો હતો. હેડ ક્લાર્કની 186 જગ્યા માટે યોજાયેલી પરીક્ષામાં રાજ્યભરનાં 6 શહેરમાં 782 કેન્દ્રમાં પરીક્ષા લેવાઈ હતી, જેમાં 88 હજાર જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જે અગાઉ કોરોનાને કારણે મોકૂફ રખાઈ હતી. પરીક્ષા માટે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને જામનગરમાં કેન્દ્ર ફાળવવામાં આવ્યાં હતાં.