Mysamachar.in-અમદાવાદ:
જામનગરમાં સૈન્યની ત્રણેય પાંખો હોવાથી અને પાકિસ્તાન સરહદથી તદ્દન નજીક હોવાથી, આ જિલ્લો સરહદી સુરક્ષા અને સલામતી મુદ્દે અત્યંત સંવેદનશીલ છે. બીજી તરફ, બીજી વખત પાકિસ્તાની જાસૂસી ગતિવિધિઓનો એક છેડો જામનગરમાં ખૂલતાં સનસનાટી મચી ગઈ છે.થોડાં વર્ષ અગાઉ જામનગરના ટાઉનહોલ વિસ્તારમાંથી એક પાકિસ્તાની જાસૂસ ઝડપાઈ ગયેલો, જે જામનગરનો જ રહેવાસી છે. ફરી વખત એવું બન્યું કે, એક પાકિસ્તાની જાસૂસનું સીમકાર્ડ જામનગરના એક શખ્સે, જામનગરમાં એકટીવેટ કરાવી આપ્યું છે. આ ચેઈન દ્વારા સીમકાર્ડ એકટીવેશન સિવાયની કોઈ હરકત જામનગર શહેર અથવા જિલ્લામાં થઈ છે કે કેમ ? તે પણ ગંભીર મુદ્દો લેખાવી શકાય.
આણંદ જિલ્લાના તારાપુર ખાતેથી ATS દ્વારા લાભશંકર માહેશ્વરી નામના પાકિસ્તાની જાસૂસને ઝડપી લેવામાં આવ્યો છે. આ શખ્સ અગાઉ પાકિસ્તાન રહેતો હતો, છેલ્લા કેટલાંક વર્ષથી તેણે ભારતની નાગરિકતા મેળવી લીધી છે. તે પોતાના સર્કલમાં વેપારી તરીકે જાણીતો છે. અગાઉ ખાદ્યતેલમાં ભેળસેળ કરવાના ગુનામાં તે ઝડપાઈ ગયો હતો.
જામનગરમાં એકટીવેટ થયેલું આ સીમકાર્ડ પાકિસ્તાન મોકલી આપવામાં આવેલું ! આ સીમકાર્ડ જામનગરના બેડી વિસ્તારમાં રહેતા મોહમ્મદ સકલૈન ઉમર થઈમ નામની વ્યકિતે, જામનગરમાં અસગર મોદી નામના ધંધાર્થીની શોપમાં એકટીવેટ કરાવ્યું હતું. પાકિસ્તાનની એલચી કચેરીના કહેવાથી, આ સીમકાર્ડ આણંદના લાભશંકર નામના જાસૂસને આપવામાં આવેલું. જામનગરથી ફિઝીકલી સીમકાર્ડ આણંદના લાભશંકર સુધી પહોચ્યું..!
લાભશંકર મિલિટરી ઈનપુટ અને ATS ની ઈન્ટેલિજન્સ માહિતીના આધારે ઝડપાયો છે. એવું જાણમાં આવેલું કે, પાકિસ્તાનથી આ સીમકાર્ડના માધ્યમથી વોટસએપ મારફતે માલવેર મોકલી ભારતમાં ચોક્કસ ફોન નંબર હેક કરવામાં આવતાં હતાં. હેક કરાયેલા આ ફોન નંબરથી જાસૂસી થતી હતી. ત્યારબાદ ATSને ધ્યાન પર આવ્યું કે, કેટલાંક ફોન નંબર શંકાસ્પદ છે. તેના પર સર્વેલન્સ ગોઠવાયું.
લાભશંકર નામનો આ શખ્સ લાંબા સમય સુધી, 1999 બાદ વિઝા પર આણંદ જિલ્લાના તારાપુર ખાતે રહ્યો. ત્યારે તે પાકિસ્તાની નાગરિક હતો. પછી 2005માં તે ભારતીય નાગરિક બન્યો. 2022માં તેણે પાકિસ્તાન જવા, વિઝા અરજી આપેલી. તેનો પિતરાઇ ભાઇ કિશોર રામવાણી પાકિસ્તાનમાં ત્યાંના નાગરિક તરીકે રહે છે. તેની સાથે તેણે વિઝા સંબંધિત વાતચીત કરેલી.
કિશોર રામવાણીએ લાભશંકરને પાકિસ્તાની એલચી કચેરીની એક વ્યકિતનો ફોન નંબર આપ્યો. બાદમાં લાભશંકરે આ વ્યક્તિનો સંપર્ક કર્યો. બાદમાં પાકિસ્તાન જતાં સમયે લાભશંકરે આ સીમકાર્ડ પાકિસ્તાન એલચી કચેરીની તે વ્યક્તિને, વોટસએપ ચાલુ કરી આપી દીધું !
ત્યારબાદ પાકિસ્તાની જાસૂસે આ વોટસએપ મારફતે ભારતીય સેનાના જવાનો અને તેની સાથે જોડાયેલી એજન્સીઓનો સંપર્ક કર્યો. જેમાં મેસેજનો ઉપયોગ કરી, રિમોટ એકસેસ ટોરઝન માટેનો વાયરસ મોકલવામાં આવ્યો અને એ રીતે અમુક મોબાઇલ હેક કરવામાં આવ્યા અને જાસૂસી કરવામાં આવી.
સૂત્રો એમ પણ કહે છે કે, લાભશંકરે હર ઘર તિરંગા નામની એક એપ્લિકેશન પણ ઓપરેટ કરી, જેના માધ્યમથી પાકિસ્તાન માટે જાસૂસી સરળ બની ગઈ. આ વોટસએપ પરથી ફોટોઝ, વીડિયોઝ, સ્ટોરેજ ડેટા અને સંપર્ક નંબર જેવી વિગતો મેળવવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.
એમ પણ કહેવાય છે કે, આ શખ્સ 18 વર્ષથી પાકિસ્તાન વતી ભારતની જાસૂસી કરતો હતો. તેણે જેતે સમયે ભારતના નાગરિક બનવા રેકર્ડ પર એમ જાહેર કરેલું કે, પાકિસ્તાનમાં તેને સતાવવામાં આવે છે તેથી તે ભારતમાં રહેવા ઈચ્છે છે. હાલ આ જાસૂસ સહિત 7 વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. લાભશંકરના પિતાનું નામ દુર્યોધન છે. અને તારાપુર તેનું સાસરુ છે.એક અધિકારીએ નામ ના આપવાની શરતે જણાવ્યું કે જામનગરના બેડીનો સીમકાર્ડ ખરીદનાર અને તે સીમકાર્ડને એક્ટીવ કરનાર બન્ને શખ્સો દેશ છોડીને જતા રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.