Mysamachar.in-ગાંધીનગર:
લાંચ ખૂબ જ મહત્વપૂર્ણ અને અસરકારક શબ્દ તથા અતિ ગંભીર અનિષ્ટ છે. રાજ્યમાં લાંચ રૂશવત વિરોધી તંત્ર છે, ઘણાં કેસ અને ધરપકડ પણ થઈ રહી છે પરંતુ ‘ઉપલી કમાણી’ સૌને લલચાવી રહી હોય, સરકારી વિભાગો તથા મહાનગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતો વગેરેમાં લાંચના દૂષણને નાબુદ કરવામાં સરકારને ઝાઝી સફળતા મળી રહી નથી. લાંચ લેવાના નવા નવા ઉપાયો અજમાવી અધિકારીઓ અને કર્મચારીઓ ચિક્કાર ઉપલી કમાણી કરી રહ્યા છે, જેને કારણે ગેરકાયદેસર અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ વધતી રહી છે. લાંચ આપી ન શકે એવા માણસોના કામો ટલ્લે ચડે છે અથવા આવા લોકોને તંત્રો કાયદાઓ ‘શીખવાડે’ છે. અને, લાંચ આપનારાઓ બધે જ મોજ કરી રહ્યા હોય તેવી સ્થિતિઓ છે. વચેટિયાઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે.
અધિકારીઓ અને કર્મચારીઓ પોતાનો સર્વિસ રેકોર્ડ ‘સાફ’ રાખવા સામાન્ય લોકોને પોતાના ‘લાંચ મેનેજર અથવા લાંચ કલેક્ટર( લાંચ કલેકટ કરનાર)’ બનાવી આરામથી લાંચ લેતાં રહે છે. 2022માં આવા 94 લાંચ મેનેજર ગુજરાતમાં ઝડપાઈ ગયા. 2023માં આવા વચેટિયા 104 ઝડપાઈ ગયા. 2024માં 151 લાંચ કલેક્ટર ઉર્ફે વહીવટદાર ACB ના હાથમાં આવી ગયા.
2022માં લાંચના કેસોમાં ACB એ કુલ 252ની ધરપકડ કરી. 2023માં આ આંકડો 276નો રહ્યો અને 2024માં કુલ 348ની ધરપકડ થઈ. આ 348 પૈકી 43 ટકા તો વચેટિયા હતાં. છેલ્લા 3 વર્ષથી આવા વહીવટદારોની સંખ્યા સતત વધી રહી છે. ખાસ કરીને પોલીસ સહિતના જે વિભાગો દરોડા પાડવાની સતાઓ ધરાવે છે, તેવા વિભાગોમાં, અધિકારીઓ અને કર્મચારીઓ લાંચ લેવાનું વચેટિયા હસ્તક રાખે છે.
2024માં 17 ક્લાસ વન અધિકારીઓ લાંચ લેતાં ઝડપાઈ ગયા. ક્લાસ ટુ અધિકારીઓની સંખ્યા 39 રહી. વર્ગ 3 ના 135 લાંચિયા અધિકારીઓ ઝડપાઈ ગયા અને વર્ગ 4 ના 6 લાંચિયા કર્મચારીઓ ઝડપાયા. ટૂંકમાં, લાંચનો મોટાભાગનો વહીવટ વર્ગ 3 ના અધિકારીઓ હસ્તક છે. અથવા, ACB વર્ગ 3 ના અધિકારીઓને વધુ નિશાન બનાવે છે. વર્ગ 1 અને 2 ના અધિકારીઓ પ્રમાણિક હોય છે ? કે, એમના પર લાંચ રૂશવત વિરોધી તંત્રનું ફોક્સ નથી ? એવા પ્રશ્નો આ આંકડાઓને કારણે સપાટી પર આવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ઘણાં વિભાગોમાં એકાઉન્ટન્ટ અથવા જમીન દલાલો હસ્તક લાંચ લેવામાં આવે છે.