Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાતનાં વર્તમાન પોલીસવડા હાલમાં નિવૃત્તિ પછીનું એક્સટેન્શન માણી રહ્યા છે. તેઓની નોકરીની સમયમર્યાદા આગામી જાન્યુઆરીમાં પૂર્ણ થઈ રહી હોય ગુજરાત સરકારે તેઓનાં સ્થાને જાન્યુઆરીમાં અન્ય IPS ને બેસાડવા માટેની કવાયત શરૂ કરી દીધી છે. આમ તો ગુજરાતની ચૂંટણીની જાહેરાત કાલે ગુરુવારે થઈ એ પહેલાં બુધવારે જ સરકારે કેન્દ્રીય ગૃહમંત્રાલયને અડધો ડઝન IPS નાં નામો મોકલાવી દીધાં હતાં પરંતુ આ નામો જાહેર આજે થયાં છે.
રાજ્યનાં વર્તમાન પોલીસવડા આશિષ ભાટિયાનો કાર્યકાળ આગામી જાન્યુઆરીમાં પૂર્ણ થાય છે. તેઓની જગ્યાએ જે IPS ની પસંદગી થવાની સંભાવના છે તે કુલ છ નામો દિલ્હી મોકલવામાં આવ્યા છે. જેમાં અતુલ કરવલ, વિવેક શ્રીવાસ્તવ, વિકાસ સહાય, અનિલ પ્રથમ, અજય તોમર અને સમશેરસિંઘના નામોનો સમાવેશ થાય છે. આ છ અધિકારીઓ પૈકી અજય તોમર ભૂતકાળમાં જામનગર એસપી તરીકે રહી ચૂક્યા છે,
આ છ અધિકારીઓ પૈકી અતુલ કરવલ હાલ નેશનલ ડિઝાસ્ટર રીલિફ ફોર્સનાં ડાયરેક્ટર જનરલ છે અને 1988 ની બેચના આઇપીએસ છે. વિવેક શ્રીવાસ્તવ 1989ની બેચના આઇપીએસ છે અને હાલ ડેપ્યુટેશન પર CBI નાં એડિશનલ ડાયરેક્ટર છે. વિકાસ સહાય પણ 1989ની બેચના આઇપીએસ છે અને હાલ ડીજીપી ( ટ્રેનિંગ) છે. અનિલ પ્રથમ 1989ની બેચના આઇપીએસ છે અને હાલ પોલીસ રિફોર્મ વિભાગના ડીજીપી છે. ભૂતકાળમાં જામનગર એસપી તરીકે રહી ચૂકેલા 1989ની બેચના આઇપીએસ અજય તોમર હાલ સુરતમાં કમિશનર છે અને સમશેરસિંઘ પણ 1989ની બેચના આઇપીએસ છે અને તેઓ વડોદરામાં પોલીસ કમિશનર છે.
સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે, નવા પોલીસવડા તરીકે અતુલ કરવલની સંભાવના વધુ છે. જો કે, અજય તોમર માટે પણ સંજોગો ઉજળા છે. સામાન્ય રીતે કોઈ પણ આઈપીએસ એ 30 વર્ષની સર્વિસ પૂર્ણ કરી હોય અને જે અધિકારીની સર્વિસ પૂર્ણ થવામાં ઓછામાં ઓછાં છ મહિનાનો સમય બાકી હોય તે આઈપીએસ રાજ્યનાં પોલીસવડા બનવા યોગ્ય હોય છે એવો નિયમ છે.