Mysamachar.in-ડેસ્ક:
જાણે કે, ક્યાંય કશુંયે સલામત નથી ! એવાં દિવસો શરૂ થઈ ચૂકયા છે. લોકોનાં બેંક ખાતાંઓની વિગતો પણ ચોરી થઇ રહી છે. આ અંગે 17 બેંકોએ કસ્ટમર એલર્ટ જાહેર કરતાં સનસનાટી મચી ગઈ છે. સૂત્રો કહે છે: SBI સહિત 17 બેંકોના એન્ડ્રોઇડ યૂઝર્સ પર ખતરો છે. વાયરસ ફરી રહ્યો છે. આ ખતરો APK ફાઈલ થકી આપણાં સુધી પહોંચી રહ્યો છે. આ ફાઈલ એન્ડ્રોઇડ યૂઝર્સનાં SMS અને બેંક ખાતાંની વિગતો પણ વાંચી લ્યે છે ! અગાઉ કેન્દ્ર સરકાર પણ આ અંગે ચેતવણી આપી ચૂકી છે !
ગ્રાહકો છેતરપિંડીનો ભોગ ન બને તે માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સહિત 17 બેંકોએ આ અંગે ગ્રાહકો માટે ચેતવણી જાહેર કરી છે. તાજેતરમાં જાહેર થયું છે કે, Drinik એન્ડ્રોઇડનું નવું વર્ઝન તેનાં અગાઉનાં વર્ઝન કરતાં અનેકગણું વધારે જોખમી છે. આ વાયરસ પ્રથમ વખત 2016 માં ધ્યાનમાં આવ્યો હતો. જેનો ઉપાય હજુ સુધી શોધી શકાયો નથી ! આ વાયરસ બેંક ખાતાંની વિગતો તથા એન્ડ્રોઇડ યૂઝર્સનાં વ્યક્તિગત ડેટાની પણ ચોરી કરે છે.
ઇન્કમટેક્સ રિફંડ જનરેટ કરવાનાં નામે યૂઝર્સની ઘણી માહિતી ચોરી લેનાર આ માલવેર અંગે અગાઉ કેન્દ્ર સરકાર પણ લોકોને ચેતવી ચૂકી છે. Drinik એ માલવેરનુ નવું વર્ઝન છે. જે APK ફાઈલ સાથે SMS મોકલીને યૂઝર્સની વિગતો ચોરી લ્યે છે ! જેમાં Assist નામની એપનો સમાવેશ થાય છે. જે ઈન્કમટેકસ માટે ભારત સરકારનાં સત્તાવાર ટેક્સ મેનેજમેન્ટ ટુલનુ સ્વરૂપ ધારણ કરે છે.
જે યૂઝર્સ આ વાયરસથી પિડાય છે તેને લોગ ઈન પેજ બતાવતાં પહેલાં આ માલવેર બાયોમેટ્રિક વેરીફીકેશન માટે ઓથેન્ટિકેશન સ્ક્રીન પ્રદર્શિત કરે છે, જેમાં યૂઝર્સ પિન દાખલ કરે છે ત્યારે આ માલવેર બાયોમેટ્રિક પિન પણ ચોરી લ્યે છે અને મીડિયા પ્રોજેકશનનો ઉપયોગ કરી સ્ક્રીનને રેકોર્ડ કરી કીસ્ટ્રોક મેળવી લ્યે છે. આ ચોરાયેલી વિગતો પછી C&C સર્વર સુધી પહોંચી જાય છે.